15 દિવસમાં રોડ પરના ખાડા પુરવામાં નહીં આવે તો કોન્ટ્રાકટર વિરુદ્ધ તોળાતા આકરા પગલાં મોરબી : મોરબી શહેરમાં નગરપાલિકા શાસનમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા પંચાસર રોડનું કામ પૂર્ણ થયા પહેલા જ આ રોડમાં ઠેર-ઠેર ગાબડાં પડી ગયા બાદ અનેક વખત રોડને રીપેર કરવામાં આવ્યા બાદ પણ ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ રહેતા મોરબી કોર્પોરેશન દ્વારા રોડ કોન્ટ્રાક્ટરને વધુ એક વખત પંચાસર રોડ પર પડેલા ગાબડાં પુરવા નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે, પંચાસર રોડ નિર્માણ સમયે જ રોડના નબળા કામને લઈ પ્રજાજનોએ અનેક વખત આંદોલન કર્યા હતા.મોરબી શહેરના પંચાસર રોડ પર દબાણો હટાવી મહાનગર પાલિકા સમયે કરોડો રૂપિયાના ખર્ચે પંચાસર રોડને સિમેન્ટ રોડ બનાવવા યોજનાને મંજુર કરવામાં આવી હતી. જો કે, કાચબા ગતિએ રોડનું કામ ચાલતા બે વર્ષે પણ રોડ નિર્માણ કાર્ય પૂર્ણ થયુ ન હતું. વધુમાં ગત ચોમાસે પંચાસર રોડ પર ઠેર ઠેર વરસાદના પાણી પણ ભરાયા હતા. સાથે જ અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતા. આજે પણ આ ખાડા યથાવત હોય એજન્સી દ્વારા ખાડા બુરવાની કામગીરી હજી પણ ચાલુ છે. હાલમાં સ્થિતિ એવી છે કે, એક સ્થળે ખાડા બુરવામાં આવે ત્યાં આગળ બીજા બીજા ખાડા પડતા જાય છે.બીજીતરફ મોરબી શહેરના નવનકોર પંચાસર રોડ પર સિમેન્ટ ઉખડી જવાને કારણે ઠેર-ઠેર પડી ગયેલા ખાડા અંગે મહાનગરપાલિકાના સીટી એન્જીનીયર હિતેશ અદ્રોજા એ જણાવ્યું હતું કે, પંચાસર રોડ નિર્માણ કાર્ય પ્રોજેક્ટમાં હજુ કોન્ટ્રાક્ટરને પૂરું પેમેન્ટ ચૂકવ્યું નથી. વધુમાં રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી જવા અંગે તેમણે ઉમેર્યું થતું કે, નબળી કામગીરી અંગે કોન્ટ્રાક્ટરને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં આગામી 15 દિવસમાં રોડ પર પડેલા તમામ ખાડાઓ બુરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.જુના કોઝવે પર નાળું બનાવી નાખવામાં આવતા પાણીનો પ્રવાહ અટકવાની ભીતિમોરબી શહેરના પંચાસર રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જવાની સાથે જ રોડ નિર્માણ દરમિયાન નગરપાલિકા સમયના કોઝવે પર જ નાળું બનાવી નાખવામાં આવ્યું હોવાથી પાણીના નિકાલમાં અવરોધ આવી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વધુમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ અટકી જતો હોવાથી ચોમાસામાં આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાઇ જવાની ફરિયાદ રહે છે. પ્રિમોન્સુન કામગીરીમાં ભોપાળું છતું થયુંહાલમાં મોરબી કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વોંકળાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવતા પંચાસર રોડ પર જુના કોઝવે પર જ નાળું બનાવી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જુના કોઝવેને કારણે એક જ બાજુથી પાણીનું વહેણ પસાર થાય છે.હકીકતમાં બન્ને બંને બાજુ પાણી વહેવું જોઈએ તે રીતે પાણી નિકાલ થતો ન હોવાથી હવે પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત આ નાળાને તોડવાની કામગીરી કરવામાં આવશે.