અનેક સરપંચો રાજીનામાં દેવા તૈયાર પણ ડીડીઓ રાજીનામુ સ્વીકારતા ન હોવાથી હવે મુખ્યમંત્રીને પત્ર લખી સામુહિક રાજીનામાં ધરવાની જાહેરાતમોરબી : મોરબી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનને ટેકો આપવામાં આવતા મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસ છાવણીએ આવ્યા છે. આંદોલનના મંચ પરથી અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલાએ જાહેરમાં પોતાના સરપંચ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતે એક ખેડૂત પુત્ર છે અને ખેડૂતોના હિત માટે તેઓ આજથી જ પોતાનું રાજીનામું આપે છે.મંચ પરથી સંબોધન કરતા જનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તમામ સરપંચોએ એક સાથે રાજીનામું આપવાનો વિચાર કર્યો હતો. પરંતુ નિલેશભાઈ દ્વારા જાણવા મળ્યું હતું કે DDO રાજીનામા સ્વીકારતા નથી. આથી હવે તમામ સરપંચો જિલ્લાના લેટરપેડ પર ડાયરેક્ટ મુખ્યમંત્રીને પત્ર લખી, તેમાં તમામ ગામના સરપંચોના નામનો ઉલ્લેખ કરી પોતાનું રાજીનામું જાહેર કરશે.જનકસિંહ ઝાલાએ અન્ય કલાકારો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કલાકારોના ઘરમાં ખેડૂતોનું ધાન પહોંચે છે અને તેમના બાળકો ખેડૂતોએ પકવેલા રોટલા ખાય છે, છતાં તેઓ ખેડૂતોના સમર્થનમાં કેમ આવતા નથી? તેમણે ખેડૂતોના પક્ષમાં બોલવા બદલ કલાકાર રાજભા ગઢવીનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે ગુજરાતના તમામ કલાકારોને ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપવા અપીલ કરી હતી. આંદોલનને વધુ મજબૂત બનાવવા અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ લડતમાં કોઈ નેતાઓને વચ્ચે લાવવામાં આવ્યા નથી, કારણ કે જો નેતાઓ વચ્ચે આવશે તો આંદોલનમાં રાજકારણ પ્રવેશી જશે. મોરબી જિલ્લાના તમામ સરપંચો હરહંમેશ ખેડૂત આંદોલન અને ખેડૂતોની સાથે ઊભા રહેશે તેવી ખાતરી મંચ પરથી આપવામાં આવી હતી. સંબોધનના અંતે મંચ પરથી 'જય જવાન, જય કિસાન' અને 'ભારત માતા કી જય' ના નારા લગાવવામાં આવ્યા હતા.#MorbiUpdate #MorbiNews #FarmersProtest #KhedutAndolan #MorbiSarpanchAssociation #GujaratNews #MorbiDistrict