યુક્રેનની સરકાર પણ સાહિલની મુક્તિ માટે હકારાત્મક : એડવોકેટ દીપા જોસેફમોરબી : રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીનો સાહિલ મજોઠી, છેલ્લા કેટલાક સમયથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં કેદી બન્યો છે. તેમના એડવોકેટ દીપા જોસેફ દ્વારા જાહેર કરાયુ છે કે યુક્રેન સરકાર પણ સાહિલની મુક્તિ માટે હકારાત્મક છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે યુક્રેન સરકાર સાહિલની મુક્તિ અંગેનો નિર્ણય લ્યે તેની રાહ જોવાઇ રહી છે.દિલ્હીના એડવોકેટ દીપા જોસેફે વિગતો જાહેર કરતા જણાવ્યું કે વર્ષ 2024 માં ભારતનો 22 વર્ષનો વિદ્યાર્થી સાહિલ મજોઠી ઉચ્ચ શિક્ષણ માટે રશિયા ગયો હતો. પરંતુ કમનસીબે તે ત્યાં એક નાર્કોટિક્સ કેસમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ તેને તેની સ્વતંત્ર સંમતિ વિના યુદ્ધ ક્ષેત્રમાં મોકલી દેવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2025 થી તે યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે બંધક છે. યુક્રેન પહોંચતા જ સાહિલે ખુદને યુક્રેનના અધિકારીઓ સમક્ષ સમર્પિત કરી દીધું હતું અને જણાવ્યું હતું કે તેનો યુદ્ધમાં ભાગ લેવાનો કોઈ ઈરાદો નહોતો, તે માત્ર સહીસલામત ભારત પરત ફરવા માંગે છે.આ મામલે દિલ્હીથી સુપ્રીમ કોર્ટના એડવોકેટ દીપા જોસેફ સાહિલની માતાના સત્તાવાર પાવર ઓફ એટર્ની હોલ્ડર અને વકીલ તરીકે કાર્ય કરી રહ્યા છે. વર્ષ 2026 માં યુક્રેનની યાત્રા દરમિયાન દીપા જોસેફને જેલમાં સાહિલને મળવાની તક મળી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિડીયો કોલના માધ્યમથી સાહિલની વાત તેની માતા હસીના બાનુ સાથે કરાવી હતી. છેલ્લા 2 વર્ષથી પોતાના પુત્રનો અવાજ સાંભળવા માટે તરસતી માતા માટે આ ખૂબ જ ભાવુક ક્ષણ હતી.સાહિલની માતા હસીના બાનુ એક સિંગલ પેરેન્ટ છે અને તેઓ હાલ કેન્સર તેમજ હૃદયની ગંભીર બીમારીની સારવાર લઈ રહ્યા છે. એકમાત્ર પુત્રથી વર્ષોની આ દૂરીને કારણે તેઓ ભારે માનસિક અને ભાવનાત્મક કષ્ટ ભોગવી રહ્યા છે. તેમનું સૌથી મોટું સપનું તેમના દીકરાને સુરક્ષિત ભારત પરત ફરતો જોવાનું છે. એડવોકેટ દીપા જોસેફની લો ફર્મ દ્વારા યુક્રેનના માનવાધિકાર આયોગ અને યુક્રેન પ્રેસિડેન્ટ ઓફિસના પ્રમુખ કિરીલો બુડાનોવ સમક્ષ એક વિસ્તૃત માનવીય અપીલ રજૂ કરવામાં આવી છે. યુક્રેનમાં રહેતા લીજી પૈયપલ્લીએ કિરીલો બુડાનોવ સાથે મુલાકાત કરીને આ ઓફિશિયલ અપીલ સોંપી હતી, જેનો સ્વીકાર કરીને અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ વિચારાધીન છે, અને ભારત સરકારનું વિદેશ મંત્રાલય તથા ભારતીય દૂતાવાસ પણ આ વિષય પર સતત રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે.#MorbiUpdate #IndianStudent #UkraineWarPrisoner #HumanitarianAppeal #DeepaJoseph #SaveSahil #MEAIndia #MorbiNews #BreakingNews