સારવાર લઈને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બહાર નીકળી નિલેશ એરવાડિયાએ આંદોલનના હિત શત્રુઓને કડક ચેતવણી આપીમોરબી : જેતપર ખેડૂત આંદોલનમાં ગઈકાલે તબિયત બગડ્યા બાદ સારવારમાં રહેલા નિલેશભાઈ એરવાડિયાએ સારવાર પૂર્ણ થયા બાદ ઉગ્રતા પકડીને આંદોલનનો ગેરઉપયોગ કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કર્યો છે. ઉપરાંત તેઓએ દલાલી કરનારાઓને છોડવામાં નહિ આવે તેવી કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે.નિલેશભાઈ એરવાડિયાએ જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલનમાં મધ્યસ્થી બનીને આવેલા સંસ્થાના આગેવાનો દ્વારા આંદોલનનો પૂરો દુરુપયોગ થયેલો હતો. આ સંસ્થાના આગેવાનોએ દલાલી સિવાય કશું કરેલું હતું નહીં. તેવી જ રીતે આજે પણ મેં એક સંસ્થાના આગેવાનનું ઈન્ટરવ્યુ સાંભળ્યું. મારે તેને એટલું કહેવું છે કે, આપ જે વાત કરી રહ્યા છો થાંભલા સેઢે લેવાની અને તારના વળતરની, એવી અમારી માંગણીઓ નથી.અમારી માંગણીમાં ગુજરાત માટે કાયદો સુધારવાની વાત છે અને આખા ગુજરાતની અંદર તમામ ખેડૂત ભાઈઓને ફાયદો થાય એવી વાત છે. માત્ર જેતપરની વીજલાઈનનો પ્રશ્ન નથી. હરખપદુડા થઈને આંદોલનમાં આવીને બીજી ત્રીજી વાતો કરી અને આંદોલનને છિન્નભિન્ન કરવાનો જો કોઈ પ્રયાસ કરશે તો આ વખતે કોઈને છોડવામાં આવશે નહીં એટલે જેને વચેટિયા થઈને આવવું હોય એ સમજી વિચારીને આવજો.વધુમાં નિલેશભાઈ એરવાડિયાએ કડક શબ્દોમાં જણાવ્યું કે આ વખતે અમે કલર પકડેલા છીએ અને આમાં 18 વરણના તમામ જ્ઞાતિ- જાતિ, ધર્મ સંપ્રદાયના ખેડૂતો છે. એ વાતને ધ્યાનમાં રાખશો અને જો ક્યાંય ખેડૂતોનો દુરુપયોગ કરશો તો આ વખતે પ્રસાદી ખાવાની તૈયારીઓ રાખજો. કોઈથી જો યોગ્ય નિરાકરણ થતું હોય, આંદોલનનો સુખદ અંત આવતો હોય તો આવકાર્ય છે, શાલ ઓઢીને સ્વાગત કરશું. બાકી જો આંદોલનનો દુરુપયોગ કર્યો અને દલાલી કરી તો જોવા જેવી થશે.'