ટંકારા : ટંકારા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ત્યાગ, બલિદાન અને શહાદતના પ્રતીક સમાન મોહરમ પર્વની શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની કરબલાના મેદાનમાં વ્હોરેલી શહાદતને યાદ કરી મુસ્લિમ બિરાદરો દ્વારા ભક્તિભાવપૂર્વક માતમ મનાવવામાં આવ્યો હતો.મોહરમના મુખ્ય દિવસે ટંકારાના મુસ્લિમ વિસ્તારોમાંથી ભારે જહેમતથી તૈયાર કરવામાં આવેલા કલાત્મક અને રોશનીથી ઝળહળતા તાજીયા પડમાં આવ્યા હતા. ત્યારબાદ પરંપરાગત માર્ગો પર ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. 'યા હુસૈન' ના નારાઓ અને શોકમગ્ન માહોલ વચ્ચે યુવાનોએ પરંપરાગત કરતબો અને દાવ રજૂ કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ટંકારાની વર્ષો જૂની પરંપરા મુજબ આ વર્ષે પણ મોહરમ પર્વમાં કોમી એકતા અને ભાઈચારાના અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. હિન્દુ-મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ અને નગરજનોએ સાથે મળીને તાજીયાના દર્શન કર્યા હતા. હિન્દુ સમાજના લોકોએ પણ મન્નતો માની અખંડ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જુલૂસના માર્ગ પર ઠેર-ઠેર સ્વયંસેવકો દ્વારા સબીલ ઊભી કરવામાં આવી હતી, જ્યાં હિન્દુ-મુસ્લિમ નગરજનો માટે ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરાઈ હતી. ટંકારામાં આ પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સ્થાનિક પોલીસ તંત્ર શાંતિ સમિતિના સભ્યો અને બંને સમાજના વડીલો, PGVCL તંત્ર અલગ અલગ કમિટીના સહયોગથી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.#tankara #moharam #MorbiUpdate