ડૉ. ભાવેશ જેતપરિયા : મારૂ ચારણ ગઢવી પરિવારના સંસ્કાર અને શાસ્ત્રોના ડાયરામાં ઘડાયેલા મયૂરદાન ગોવાભાઈ ગઢવી, જે મોરબી જિલ્લામાં ‘મેજર મારૂતિસાહેબ’ તરીકે સુપ્રસિદ્ધ છે. જન્મભૂમિ રાજકોટ જિલ્લાના કાલાવડ તાલુકાનું રાજડા ગામ. જન્મ તારીખ 1, સપ્ટેમ્બર 1939. પિતા ગોવાભાઈ રેલવેમાં નોકરી કરતા, ને રેલવેની ટાઈમ-ટેબલવાળી શિસ્ત ઘરનાં આંગણે પણ જીવતી હતી. માતા હીરાબાનો વાત્સલ્ય અને પિતાનું અનુશાસન આ બે પાંખોથી ચાર ભાઈઓએ જીવનનું આકાશ માપ્યું. ‘Early to bed and early to rise, makes a man healthy, wealthy and wise’ આ સૂત્ર એમના ઘરની દીવાલ પર નહોતું લખ્યું, પણ રોજના આચરણમાં જીવતું હતું. શિક્ષણ ફરજિયાત હતું, મહેનત સંસ્કાર હતા. બે ભાઈઓએ નિષ્ઠાથી નોકરી કરી નિવૃત્તિ સુધી પહોંચ્યા, એક ભાઈ કિશોરાવસ્થામાં જ પ્રભુને પ્યારો થઈ ગયો, પણ મેજર સાહેબ સત્યાશી વર્ષે પણ યુવાન જેવી ઊર્જાથી કાર્યરત છે. “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન” — ભગવત્ ગીતાના આ બોધને એમણે મેદાન પર જીવી બતાવ્યો.પિતાજીની બદલીનાં ચક્ર પર બાળપણ પણ વિવિધ સ્થળોએ દોડતું રહ્યું. પડઘરી, જોડિયા, ઓખા, હડમતિયા — ચાર ગામની માટી પગમાં લાગી અને એકથી ચાર ધોરણની સફર ચાર ચોકીમાં પૂરી થઈ. દરેક સ્ટેશને નવું વાતાવરણ મળ્યું, નવી બોલી, નવી હવા. પાટીપેનમાં અક્ષર ઓછા ચિતરાયા, પણ મનની તકતીમાં માણસાઈના પાઠ ઊંડા કોતરાયા. ચોપડીનું જ્ઞાન ઓછું મળ્યું, પણ સમાજની શાળામાં સંબંધોનો સાચો સરવાળો શીખવા મળ્યો. ચોથા ધોરણ સુધી કોઈ સર્ટિફિકેટના કાગળ ન મળ્યા, કારણ કે લક્ષ્ય એક જ હતું — પાસ થવું, આગળ વધવું. “चरैवेति चरैवेति” — ચાલતો રહે, ચાલતો રહે, એ જ ઉપનિષદનું સૂત્ર જાણે પિતાની બદલી સાથે જીવનમંત્ર બની ગયું. આઝાદીના ઉંબરે તેઓશ્રી જોડિયા હતા. પ્રજા તાલમેલથી જીવતી હતી. સહનશીલ અને તાલમેલથી સુખદુઃખ વહેંચીને જીવન જીવતાં હતાં. આર્થિક રીતે અને સગવડતા બાબતે દુષ્કાળ હતો. અનાજના કોઠાર ખાલી હતા. બાજરો કે ઘઉંનાં દર્શન દુર્લભ હતા એટલે ચણાના રોટલા જ અમારા ઉત્સવ બન્યા. ખાંડની ગેરહાજરીમાં બૂરાની મીઠાશ જીભે ચોંટી, ખજૂરના વાડિયા, ટોપરાના કોથરા ને ગોળના માટલા આવતા ત્યારે ઘર આખું ગોળ-ગોળ થઈ જતું. તંગી હતી, પણ તરસ નહોતી — અમે ખૂબ મોજથી ખાધું, ખાધું નહિ, જીવ્યું. _“संतोषः परमं सुखम्” — સંતોષ જ પરમ સુખ છે, એ સૂત્ર અમે અછતની શાળામાં ભણ્યા.પિતાજી નિવૃત થયા અને મોટાભાઈને રેલ્વેમાં નોકરી મળી અને સંયુક્ત પરિવાર વાંકાનેર આવ્યો. ગાડી વાંકાનેરના સ્ટેશને થંભી, અને પાંચથી સાત ધોરણની ચોપડી વાંકાનેરની ધૂળમાં ખૂલી. ત્યાં જ જીવનના મેદાનમાં પહેલું પગલું પડ્યું. અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર શુકનવંતી બની. રાવલ સાહેબ હિન્દીના ફિઝીકલ ઇન્સ્પેક્ટર હિન્દીના શિક્ષક જાડેજા સાહેબ સંસ્કૃત જેવી અને હૃદય ગુજરાતી જેવું ભીનું. એમની નજરમાં રમતનું રતન પારખું થયું. વાંકાનેરની ધરતી પર એથલેટિક્સના રણશિંગા વાગતાં હતાં. 200 મીટરની દોડમાં પગમાં પવન બાંધીને દોડ્યા, ને જિલ્લા આખામાં પહેલો નંબર લઈ આવ્યા. ત્યારે સ્કૂલની દીવાલો પણ ગર્વથી ટટ્ટાર થઈ ગઈ, ને શિક્ષકોની આંખમાં હેતનું તેજ ઝબક્યું. કાબેલિયતનો કોયળો જોઈને ગુરુજનોએ હાથ ઝાલ્યો, બીજમાંથી વડલો થવાની શ્રદ્ધા સિંચી. ત્યાંથી રમત રમત ન રહી, તપ બની ગઈ. મેદાન મંદિર બન્યું ને પરસેવો પ્રસાદ. _“बलं बलवतां चाहं” — એ નાદ નસોમાં રણક્યો.'મારૂ ચારણ'ની માટીસોડમ વાળી ઓળખ મેટ્રિકના ઓટલે આવીને 'મારૂતિ'ના પવનમાં પલટાઈ ગઈ. સાહેબે 'મારૂતિ' લખેલું, એટલે મેટ્રિકનું સર્ટિફિકેટ 'મારૂતિ' અટકે આવ્યું. નામ બદલાયું, નસીબનો માર્ગ પણ બદલાયો. ‘મારૂતિ’ નામ જેમ હનુમાનની ગતિનું પ્રતીક, એમ જ જીવનને પણ ગતિ મળી. વોલીબોલના કોર્ટથી કબડ્ડીના માટીઢેફાં સુધી, કુસ્તીના અખાડાથી વેઈટલિફ્ટિંગના મંચ સુધી — એમણે રમતને સાધના બનાવી. કોમર્સ કોલેજ મોરબીને દસ વર્ષ સુધી ચેમ્પિયન બનાવનાર આ ‘સ્પોર્ટસના સેનાની’ માટે નિયમ તૂટે તો મિત્ર હોય તો પણ ના ચાલે. _“Discipline is the bridge between goals and accomplishment.” એમના જીવનનું સૂત્ર બન્યું. રાષ્ટ્રીય પરેડનો એવોર્ડ એમની ટોપીમાં પીછું બની ગયું, પણ એમણે માથું નમતું રાખ્યું. “विद्या ददाति विनयं” — વિદ્યા અને રમત બંનેએ એમને વિનય આપ્યો.આજે એમના વિદ્યાર્થીઓ નેવી, એરફોર્સ, આર્મીમાં ઓફિસર છે, પોલીસમાં પીઆઈ, ડીએસપી, પીએસઆઈ બનીને દેશની રક્ષા કરે છે. ગુરુનો સાચો પગાર શિષ્યની સફળતા છે, અને મેજર સાહેબ એ પગારથી સૌથી ધનિક છે. સત્યાશી વર્ષે પણ રોજ સવારે મેદાન પર હાજર રહેનારો આ યોદ્ધો કહે છે — ‘ઉંમર શરીરની હોય, મન તો હજી સત્તરનું છે.’ “The harder the battle, the sweeter the victory.” એમની જિંદગી આ વાક્યની સાક્ષી છે. ખજુરડાની માટીમાંથી ઊગેલો આ શિસ્તનો છોડ આજે અનેક વિદ્યાર્થીઓને છાંયડો આપે છે. “उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत” — ઊઠો, જાગો, અને ધ્યેય પ્રાપ્ત કરો, એ જ એમનો સંદેશ છે, એ જ એમની સાધના છે.વાંકાનેરના મેદાનથી ‘રનર’ અને ‘હોકીના લેફટ આઉટ’નું સર્ટિફિકેટ લઈને જામનગરના ડી. કે. વી. કૉલેજના દ્વાર ખખડાવ્યા — વર્ષ 1962 થી 1966. મુખ્ય વિષય અર્થશાસ્ત્ર, ગૌણ વિષય મનોવિજ્ઞાન-ગુજરાતી, ને કંપલસરી અંગ્રેજીની સાથે જીવનનું અંગ્રેજી પણ ઘડાતું ગયું. અહીં મેદાન વિશાળ મળ્યું, હવા ખુલ્લી મળી અને પ્રતિભાના પંખીને ઉડવા આકાશ મળ્યું. 100 મીટરની તડિત જેવી દોડ, 200 મીટરનો વંટોળ બંનેમાં કૉલેજ ચેમ્પિયનનો તાજ શીરે પર લગાવ્યો. હાઈ જંપમાં આકાશને આંબ્યા, લોન્ગ જંપમાં ધરતી માપી. સ્વીમીંગના પાણીમાં કેપ્ટન બનીને તર્યા, બાસ્કેટબોલના કોર્ટ પર કેપ્ટન બનીને ખીલ્યા. “क्रीडां कुर्वन्ति धीराः”— ધીર પુરુષો રમે છે, એ સૂત્ર અહીં શ્વાસ બની ગયું. એન.સી.સી. ‘C’ સર્ટિફિકેટ ખભે શોભ્યું, પીરોટન ટાપુની સફરે શિસ્ત અને સાહસનો સંગમ થયો. ચાર બ્લેઝર છાતીએ ચડ્યા, ને સ્પોર્ટ્સમાં સાચે જ ચાર ચાંદ લાગી ગયા. કેમ્પસની હવામાં એક જ નામ ગુંજતું — મારૂતિ.પ્રો. જાડેજા સાહેબ પાસે સંસ્કૃતના શ્લોક શીખ્યા, પ્રો. ભટ્ટ સાહેબ ને પ્રો. ઝાલા સાહેબ પાસે સ્પોર્ટ્સની સ્ક્રિપ્ટ લખાઈ, એમ. પી. દવે ફિઝિકલ ઇન્સ્પેક્ટર અને...