અત્યારે ખેડૂતો ગાંધીના માર્ગે ચાલી રહ્યા છે, પણ તેમના લોહીમાં મહારાણા પ્રતાપ અને શિવાજી પણ છે : યોગગુરૂએ ઉપવાસ છાવણી ગજાવીમોરબી : જેતપર ખાતે વીજલાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનના આજે 10માં દિવસે યોગાચાર્ય ડો.રુદ્રાંશજી મહારાજે ઉપસ્થિત રહીને ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સરકાર, કથાકારો અને કલાકારો સામે આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ખેડૂતોને નબળા સમજવાની ભૂલ ન કરવામાં આવે.ડો. રુદ્રાંશજી મહારાજે ધાર્મિક વડાઓ અને કથાકારોને તેમજ નેતાઓને આડેહાથ લેતા જણાવ્યું કે, તમે જે ચાંદીના સિંહાસન પર બેઠા છો તે આ ખેડૂતોના દાનથી બન્યું છે. તમે દિવસમાં 3 વખત ભગવાનને જે થાળ ધરો છો તે ખેડૂતોએ તડકે રહીને વાઢેલા ઘઉંનો પ્રસાદ છે. ખેડુતોએ 10 દિવસથી અન્નદાતાએ અન્ન લીધું નથી, આનાથી મોટો કોઈ ત્યાગ ન હોઈ શકે.આ આંદોલનકારીઓ ભગવાન સ્વરૂપ છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી પટેલ હોવા છતાં તેમને ખેડૂતોની પીડા સમજાતી નથી. જો નેતાઓ છાવણીમાં ખેડૂતોની મુલાકાતે ન આવી શકે તો તેમની કોઈ જરૂર નથી.ખેડૂતોના આક્રોશને વાચા આપતા તેમણે કહ્યું કે, 'અમે શાંતિપૂર્ણ રીતે ગાંધીના રસ્તે ચાલીએ છીએ, પણ જો કોઈ અમને એક લાફો મારશે તો અમે બીજો ગાલ ધરીશું, પણ બંને હાથ સાફ કરીને ધરીશું. અમારા લોહીમાં મહારાણા પ્રતાપ અને શિવાજી પણ છે. અન્યાય સામે અવાજ ન ઉઠાવવો તે મહાપાપ છે. જો જરૂર પડશે તો શામ, દામ, દંડ અને ભેદની નીતિ પણ અપનાવીશું. આ આંદોલનને પૈસાથી તોડી શકાશે નહીં અને હવે જેતપરથી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે.'ધર્મના નામે કથા કરતા કથાકારો અને કલાકારોને પણ તેમણે મંચ પરથી રોકડું પરખાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'જો તમે આ ભોળા ખેડૂતોનું અન્ન ખાધું હોય તો હવે બહાર આવો અને ખુલ્લી રીતે આ ખેડૂતોને સમર્થન કરો. અમારે માત્ર ચેક કરવાનું છે કે તમે ખેડૂતો સાથે છો કે નહીં. જો ખરા સમયે દેખાશો નહીં, તો હવે તમારું સ્વાગત હારથી થશે તે ભૂલતા નહીં.'આ આંદોલનની શિસ્તના વખાણ કરતા તેમણે જણાવ્યું કે ખેડૂતોએ આંદોલન વચ્ચે બ્લડ ડોનેશન કરીને એક નવો ચીલો ચાતર્યો છે. આ આંદોલનમાં મહિલા શક્તિ પણ જોડાયેલી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતો સરકારના વિરોધી નથી, પરંતુ જો ખેડૂતોને દબાવવાનો પ્રયાસ થશે તો લાલ લાઈટ વાળી ગાડીઓ ક્યાં ખોવાઈ જશે તેનો ખ્યાલ પણ નહીં રહે. ભવિષ્યમાં કોઈ મોટો ઉદ્યોગપતિ ખેડૂતની 1 ઇંચ જમીન સામે જોતા પણ ડરે તેવું મજબૂત આ આંદોલન બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #JetparFarmersProtest #KisanAndolan #Jetpar #MorbiNews #FarmersProtest #DrRudranshjiMaharaj #AdaniPowerLineIssue #GujaratFarmers