ઉપવાસી નિલેશભાઈ એરવાડિયા હજુ પણ સારવાર હેઠળ, નેહુલ અમૃતિયા સારવાર લઈ ફરી છાવણીમાં બેસી ગયા : આંદોલનનો જુસ્સો વધારવા આજે સિરામિક ટ્રેડર્સ એસો. કાર રેલી યોજાશે, કાલે મોરબીથી બહેનો એક્ટિવા રેલી યોજશેમોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતરને લઈને ખેડૂતો દ્વારા ચલાવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનનો આજે 10મો દિવસ છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે બે ઉપવાસીઓની તબિયત લથડી હતી. જેમાના એક ઉપવાસી હજુ સારવાર હેઠળ છે. વધુમાં આજે ગામે-ગામથી મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં પધારવાના છે. ઉપરાંત આંદોલનને સમર્થન આપવા આજે બે અલગ અલગ સ્કૂટર અને કાર રેલી પણ યોજાવાની છે. બે ઉપવાસીઓની તબિયત લથડીગઈકાલે સાંજના સમયે ઉપવાસી નિલેશભાઈ એરવાડિયાની તબિયત લથડી હતી. પહેલા તેઓને જેતપર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેઓની તબિયત વધુ ખરાબ હોવાથી તુરંત મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં હાલ તેઓની સારવાર ચાલુ છે. બીજી તરફ મોડી રાત્રે ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાની તબિયત પણ લથડી હતી. તેઓને જેતપર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ તેઓ ફરીથી છાવણીમાં બેસી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. મહોરમના પર્વે મુસ્લિમ સમાજ ખેડૂતો ઉપવાસ છાવણીએ પહોંચ્યાગઈકાલે મહોરમનો પર્વ હોય મુસ્લિમ સમાજના ખેડુતોએ જેતપર ગામે આવી ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. આ વેળાએ મુસ્લિમ સમાજના ખેડુતોએ આ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. આ ઉપરાંત મુસ્લિમ સમાજના ખેડુતોએ સરકાર ઝડપથી ખેડૂતોના હિતમાં નિર્ણય જાહેર કરે અને આ આંદોલન ઝડપથી પૂર્ણ થાય તેવી દુઆ પણ કરી હતી. સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આજે કાર રેલી યોજાશેમોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી આજે શનિવારના રોજ બપોરે 4:00 કલાકે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી પ્રસ્થાન કરશે અને જેતપર ખાતે જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે સ્થળે પહોંચીને સમાપન થશે. આ રેલીમાં 500 જેટલી કાર જોડાશે. આ ઉપરાંત ખેડૂત આંદોલનને સફળ બનાવવા માટે આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં ભવિષ્યમાં જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે, તેમાં મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન હંમેશાં સંપૂર્ણ સાથ અને સહકાર આપશે.તેવી જાહેરાત પણ કરાઈ છે.ગાળા અને સરવડ ગામથી અંદાજે 700 ખેડૂતો પહોંચશે જેતપરખેડૂતોના જણાવ્યા અનુસાર ગાળા અને સરવડ ગામ દ્વારા ખેડૂત આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ગાળા ગામના 300 ખેડૂતો અને સરવડ ગામના 400 ખેડૂતો આજે બપોરે 3 વાગ્યા આસપાસ જેતપર ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચશે. આ તમામ ખેડૂતો આંદોલનકારીઓનો જુસ્સો વધારશે.મોરબીની બહેનો કાલે એક્ટિવા રેલી કાઢી જેતપર પહોંચશેખેડૂત આંદોલનને સમર્થન આપવા મોરબીની બહેનો પણ આગળ આવી છે. બહેનો દ્વારા આવતીકાલે રવિવારે એક્ટિવા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનો મોટી સંખ્યામાં એક્ટિવા લઈ શ્રી સરદાર સ્ટેચ્યુ,નવા બસસ્ટેન્ડ, મોરબી ખાતે એકત્ર થશે. ત્યાંથી બપોરે 3 વાગ્યે રેલીનું પ્રસ્થાન થશે. આ રેલી બપોરે 4 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પહોંચશે. ત્યાંથી 5 વાગ્યે જેતપર ઉપવાસ છાવણી પહોંચશે. આ રેલીમાં હજારોની સંખ્યામાં બહેનો જોડાવાની છે.