ટ્રિપલ સવારી બુલેટ ચલાવી રોમિયોગીરી કરનાર આરોપીએ સ્કૂલેથી ઘેર જતી ચાર દીકરીઓને હડફેટે લીધી હતીહળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સ્કૂલે જતી આવતી દીકરીઓની છેડતી કરી રોમિયોગીરી કરતા શખ્સે ગત તા.24ના રોજ સાંજના સમયે ટ્રિપલ સવારીમાં પોતાનું બુલેટ ચલાવી સ્કૂલેથી ઘરે આવી રહેલી ચાર દીકરીઓને હડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજ્યું હતું અને ત્રણ દીકરીને ઇજા પહોંચી હતી. આ ગંભીર બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગત તા.24ના સાંજના સમયે આરોપી રામજી ગોરધનભાઇ દેવીપૂજકે પોતાનું જીજે -36 - ઇ - 8000 નંબરના બુલેટ બાઈકમાં લખમણ ગોરધનભાઇ દેવીપૂજક અને આકાશ પ્રકાશ દેવીપૂજકને બેસાડી બેફામ ગતિએ પોતાનું બુલેટ હંકારી રોડની સાઈડમાં સ્કૂલથી ઘરે જતી રોશનીબેન, જાનવી સુરેશભાઈ, અંકિતા દિનેશભાઇ અને રીના મહેશભાઈ નામની દીકરીઓને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં રોશનીબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મનીષભાઈ કેશવજીભાઈ મોરવાડિયા રહે.જુના દેવળીયા વાળાઓએ બુલેટ ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.