આરોપી સામે ત્વરિત કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે બહેનોએ દેવળિયા-ચરાડવા રોડ બ્લોક કર્યો : રોમિયો છેલ્લા 2 થી 3 દિવસથી દીકરીઓને ઈશારા કરી હેરાન કરતો હોવાનો આરોપહળવદ : હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે ગઈકાલે બુલેટ ચાલક રોમિયોની અડફેટે 11 વર્ષીય વિદ્યાર્થિનીના કરૂણ મોતની ઘટના બાદ ગામમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નિર્દોષ દીકરીનો ભોગ લેવાયા બાદ આજે ગામની મહિલાઓએ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.ગુસ્સે ભરાયેલી મહિલાઓએ દેવળિયાથી ચરાડવા જતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી દીધો છે.મહિલાઓ રોડ વચ્ચે બેસી ગઈ છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકાવી દીધો છે. મહિલાઓની એક જ માંગ છે કે દીકરીઓનો ભોગ લેનાર અને તેમને પરેશાન કરનાર રોમિયો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ કરી રહેલી મહિલાઓએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે, આ અકસ્માત સર્જનાર રોમિયો છેલ્લા 2 થી 3 દિવસથી શાળાએ જતી દીકરીઓને સતત હેરાન કરતો હતો. તે પડખેથી બાઇક હાંકીને ઈશારા કરતો હતો. હાલમાં આ રોમિયો વિરુદ્ધ પોલીસ દાખલારૂપ અને આકરી કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ સાથે મહિલાઓ રોડ પર અડીંગો જમાવીને બેઠી છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે શાળાએથી ઘરે હતી 4 વિદ્યાર્થીઓને ત્રીપલ સવારીમાં બુલેટ લઈને નીકળેલા રોમિયો ગેંગે અડફેટે લીધી હતી. આ ગોઝારા અકસ્માતમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 11 વર્ષીય રોશનીબેન મનીષભાઈ ઠાકોર નામની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 વિદ્યાર્થિનીઓ 12 વર્ષીય અંકિતાબેન દિનેશભાઈ ઠાકોર, 11 વર્ષીય રીનાબેન મહેશભાઈ ઠાકોર અને 12 વર્ષીય જાનવીબેન સુરેશભાઈ ઠાકોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હળવદ તેમજ જેતપરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.#Halvad #MorbiUpdate #AccidentNews #JunaDevaliya #MorbiPolice #GujaratNews #RoadAccident #CrimeNews #HalvadNews