સાયફનમાં બાકોરું પાડી 20 હજારનું નુકશાન કરવા બદલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવાઈહળવદ : ખરીફ સિઝનના આગોતરા વાવેતર માટે હાલમાં ખેડૂતોને નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યુ છે તેવા સમયે જ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સોએ કેનાલમાં બાકોરું પાડી પાણી ચોરી કરતા બનાવ અંગે નર્મદા ઓથોરિટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.મોરબી જિલ્લાના ખેડૂતોને હાલના નર્મદા કેનાલ વડે ખરીફ સીઝનમાં આગોતરા વાવેતર માટે પાણી આપવામાં આવી રહ્યુ છે. જો કે, કેનાલમાં પાણી ચોરીને કારણે છેવાડાના વિસ્તારમાં ખેડૂતોને પાણી નહિ મળવાની વ્યાપક ફરિયાદ વચ્ચે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં નર્મદા કેનાલના સાયફનમાં કોઈએ બાકોરું પાડી દઈ 20 હજારનું નુકશાન કરી પાણીનો બગાડ કરતા બનાવ સંદર્ભે નર્મદા ઓથોરિટીના કર્મચારી દિલીપકુમાર કરમશીભાઈ ચાવડા રહે.જુના અમરાપર, તા.હળવદ વાળાએ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ સરકારી મિલ્કતને નુકશાન પહોચાડવા સબબ ફરિયાદ નોંધાવી છે.