ગટરના પાણીના કારણે બસ સ્ટેન્ડના પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક કરવા મુશ્કેલ: મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે સ્થાનિકોમાં રોષમોરબી: મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 2-3 દિવસથી ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ગટરના પાણી એટલી હદે છલકાઈ રહ્યા છે કે બસ સ્ટેન્ડ તરફ જવાનો મુખ્ય રસ્તો અને આસપાસની દુકાનોની બહાર આવેલ પાર્કિંગ પરિસરમાં પાણી ફરી વળ્યા છે. આ ગંદકીના કારણે ત્યાં વાહનો પાર્ક કરવા પણ મુશ્કેલ બન્યા છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડની બહાર રોડ પર પણ ગટરના ગંદા પાણી ઉભરાતાં રાહદારીઓને હાલાકી પડી રહી છે.સ્થાનિકોના આક્ષેપ અનુસાર, ગટર સફાઈ પાછળ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જ્યારથી કમિશનર બદલાયા છે અને નવી બોડી આવી છે, ત્યારથી કામગીરીની પદ્ધતિમાં ફેરફાર થયો છે અને પહેલા જેવી સફાઈ થતી નથી. મોરબી જ્યારે નગરપાલિકા હતી ત્યારે જેવી લોક સમસ્યાઓ સર્જાતી હતી, મહાનગરપાલિકા બન્યા બાદ પણ ફરી પાછી એવી જ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.હાલમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા થાય છે, પરંતુ ચોમાસા પહેલા જ જો ઠેર-ઠેર ગટર ઉભરાવાની આટલી વિકટ સમસ્યા હોય, તો આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ આવશે ત્યારે કેવી સ્થિતિ સર્જાશે અને પાણીનો નિકાલ કેવી રીતે થશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.#Morbi #MorbiNews #MorbiUpdate #BusStand #DrainageIssue #CivicProblems #MonsoonPreparation #MorbiUpdates