પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને ડીવાયએસપી જે.એમ.આલે આંદોલનકારીઓ સાથે કરી ચર્ચા : પહેલા પરિપત્ર જાહેર કરો અને કામ અટકાવો પછી જ મંત્રણા થશે, ખેડૂતો પોતાની માંગને લઈને અડગમોરબી : મોરબીના જેતપર ખાતે વીજલાઈનના વળતરને લઈને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે અધિકારીઓ ઉપવાસ છાવણીની મુલાકાતે આવ્યા હતા. જો કે ખેડૂતો પહેલા પરિપત્ર કે ડ્રાફટિંગ જાહેર કરવામાં આવે અને કામ અટકાવામાં આવે તેવી માંગ સાથે અડગ છે. આજે ઉપવાસીઓને સમજાવવા અને તેમની સ્થિતિનો તાગ મેળવવા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને ડીવાયએસપી જે.એમ. આલ ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા. બંને અધિકારીઓએ ઉપવાસીઓ સાથે અંદાજિત 20 થી 25 મિનિટ સુધી ચર્ચા કરી હતી. જોકે, ઉપવાસીઓ પોતાની માંગો પર અડગ જોવા મળ્યા હતા. અધિકારીઓએ આ મુલાકાત દરમિયાન મીડિયાથી ખાસ અંતર જાળવ્યું હતું. મીડિયાકર્મીઓને શૂટિંગ કરવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે તેઓ માત્ર ખબર-અંતર પૂછવા માટે આવ્યા છે.મીડિયાકર્મીઓ દ્વારા સરકારના નિર્ણય અને આગામી કાર્યવાહી અંગે પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યુ કે જવાબ આપવામાં આવ્યો ન હતો. તેઓ મીડિયાના સવાલોના જવાબ આપ્યા વિના જ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આંદોલનકારીઓ અને તંત્ર વચ્ચે શું ચર્ચા થઈ અને સરકારનું શું વલણ છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ફોડ પાડવામાં આવ્યો નથી.આ અંગે આંદોલનકારી નિલેશભાઈ એરવાડિયાએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિત માટે આ લડત ઉગ્ર રહેશે અને જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસના પારણા કરવામાં આવશે નહીં. આંદોલનના પ્રથમ દિવસે SDM આવ્યા હતા, જ્યારે બીજા દિવસે SP, DYSP અને કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આજે પણ SDM અને DYSP ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા. પ્રશાસન તરફથી સતત એક જ માંગણી કરવામાં આવી રહી છે કે ખેડૂતો ઉપવાસ સમેટી લે અને સરકાર સાથે વાટાઘાટો શરૂ કરે. પણ અમારી માંગ છે કે ખેતરોની અંદર કંપનીના જે પણ સાધનો જેવા કે હિટાચી, JCB, ટ્રેક્ટર તેમજ અન્ય સામગ્રી અને સ્ટાફ છે, તે તમામ વસ્તુઓ અને સ્ટાફને તાત્કાલિક બહાર કાઢીને રોડ પર લાવવામાં આવે. સરકાર તરફથી ગુજરાતના ખેડૂતો માટે જે પણ કાયદો, નિયમ કે પરિપત્ર બનાવવાનો હોય, તે મુખ્યમંત્રીના વેરિફિકેશન સાથે લેખિતમાં આપવામાં આવે. ત્યારબાદ ખેડૂતો તેનું અધ્યયન કરશે. ત્યારબાદ અન્ય ખેડૂતોના અભિપ્રાય લેવામાં આવશે. જો બધું યોગ્ય જણાશે તો જ 3 થી 5 સભ્યોનું ડેલીગેશન સરકાર સાથે ચર્ચા કરવા માટે મોકલવામાં આવશે. ત્યાં સુધી ઉપવાસ છાવણી પરથી એક પણ ખેડૂત ખસશે નહીં. ભલે અહીં પાળિયા ખોડાઈ જાય પણ આંદોલન ચાલુ જ રહેશે. મંત્રીના સગા ભાઈ કારૂભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને મંત્રણા માટે ગાંધીનગર આવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ સ્પષ્ટ ના પાડી દીધી છે કે તેઓ ગાંધીનગર જવાના નથી. તેઓની માંગ છે કે જ્યાં સુધી પરિપત્ર નહીં મળે ત્યાં સુધી તેઓ અહીં ઉપવાસ પર જ બેસી રહેશે. જો સરકાર દ્વારા લેખિત પત્ર આપવામાં આવશે, તો જ 4 કે 5 લોકોનું ડેલીગેશન ગાંધીનગર જવા રવાના થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે આ પ્રશ્ન માત્ર જેતપુર પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સમગ્ર ગુજરાતનો પ્રશ્ન બની ગયો છે. આંદોલનને ગુજરાતભરમાંથી અને બહારથી પણ બહોળો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું છે. જ્યાં સુધી આખા ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ છાવણી સમેટવામાં આવશે નહીં. છેલ્લા 6 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. ગઈકાલે કલેક્ટર અને SP પણ ઉપવાસ છાવણીની મુલાકાતે આવ્યા હતા અને તેમને પણ એ જ વાત કરવામાં આવી હતી કે તેઓ ગાંધીનગર આવે. કારુભાઈ અમૃતિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં થાય ત્યાં સુધી તેઓ આ જગ્યા છોડશે નહીં.#MorbiUpdate #MorbiNews #FarmersProtest #NileshErvadia #MorbiFarmers #GujaratFarmers #LiveNews