બપોર સુધી વીજકાપ, બપોર બાદ અંડરગ્રાઉન્ડ કેબલ તૂટતા લાઈટ ગઈ, ત્યારબાદ પાણીની લાઈન તૂટતા શોર્ટ સર્કિટના કારણે ફરી લાઈટ ગઈમોરબી : મોરબીમાં વીજળીની હવે જાણે કાયમી સમસ્યા બની ગઈ હોય તેમ કોઈને કોઈ વિસ્તારમાં અવારનવાર વીજળી ગુલ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર સહિતના વિસ્તારોમાં સવારે મેન્ટેનન્સ કામગીરી માટે બપોરે 2:00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રાખવામાં આવ્યો હતો. મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ પાવર શરૂ કરાયો પરંતુ ગણતરીના સમયમાં જ ફરી વીજળી ગુલ થઈ ગઈ છે. એક જ દિવસમાં બે વાર લાઈટ ગુલઆ વિસ્તારમાં સવારે વીજકાપ બાદ બપોરે પાવર ચાલુ થયા બાદ 3:00 વાગ્યે ફરી લાઈટ ગુલ થઈ છે. પીજીવીસીએલના અધિકારીના જણાવ્યા અનુસાર ઓવરબ્રિજના સર્વિસ રોડનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરે ફ્લોરાના ગેટ પાસે જેસીબીથી પીજીવીસીએલની મુખ્ય અંડરગ્રાઉન્ડ કેબલ લાઈન તોડી નાખી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફરી પાવર કાપ લાગી ગયો હતો. પીજીવીસીએલની ટીમે 3 કલાકની ભારે જહેમત બાદ માંડ સાંજે 6:00 વાગ્યે પાવર ફરી ચાલુ કર્યો હતો.પરંતુ પાવર શરૂ થયાના એક જ કલાકમાં ફરી મોટી મુશ્કેલી સર્જાઈ હતી. ત્યાં બાજુમાંથી પસાર થતી પાણીની લાઈન પણ તૂટી ગઈ હોવાથી પાણી ભરાવાને કારણે અંડરગ્રાઉન્ડ કેબલમાં ફરીથી ફાયરિંગ થયું હતું અને કેબલ ફેઈલ થઈ ગયો હતો. રાત્રે 10:30 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો યથાવત થવાની શક્યતાઆ લાઈટ ગુલ થવાની સમસ્યા અંગે અધિકારી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે પીજીવીસીએલની ટીમ હાલ સ્થળ પર જોઈન્ટ મારવાની કામગીરી કરી રહી છે અને રાત્રે 10:30 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો ફરી પૂર્વવત ચાલુ થવાની શક્યતા છે. મોરબીના માત્ર આ એક જ નહીં, પરંતુ ઘણા વિસ્તારોમાં અવારનવાર આવી રીતે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા રહે છે. આ અસહ્ય ગરમીની સીઝનમાં લોકોને વારંવારના વીજ કાપના કારણે હેરાન થવાનો વારો આવ્યો છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.#Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiNews #PublicIssue #Summer Problems