સિરામિક ઉદ્યોગપતિઓને તેમજ તેમના સ્ટાફને રક્તદાન કરવા આહવાન : 5 હજારથી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક પાર કરવા સૌને ઉમટી પડવા અપીલ મોરબી : જેતપરમાં ખેડૂત આંદોલન દરમિયાન આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ મોડી રાત્રે 12 વાગ્યા સુધી ચાલવાનો છે. કેમ્પમાં અલગ-અલગ બ્લડ બેંકોને આમંત્રિત કરીને 5000થી વધુ રક્તની બેગ એકત્રિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ એક વિડીયો સંદેશ મારફતે સૌને અપીલ કરી છે.મનોજ પનારાએ જણાવ્યું છે કે આટલા મોટા જિલ્લા અને ઉદ્યોગગૃહની હાજરી વચ્ચે 5000 બેગ એકત્રિત કરવી એ અશક્ય નથી. તેઓએ ખાસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓને વિનંતી કરી છે કે જો તેઓ પ્રત્યક્ષ રીતે ન આવી શકે તો પોતાની ફેક્ટરીના 10-10 સ્ટાફ, ભાગીદારો કે સગા-સંબંધીઓને મોકલીને આ યજ્ઞમાં રક્તદાન કરાવે. આ બ્લડ ડોનેશન કેમ્પ આજે રાત્રે 12 વાગ્યા સુધી ચાલવાનો છે, જેથી લોકોને પોતાની અનુકૂળતા મુજબ બહોળી સંખ્યામાં ઉમટી પડવા જણાવાયું છે.વધુમાં, મનોજ પનારાએ પાટીદાર યુવા સેવા સંઘના 19000 કાર્યકર્તાઓને આહ્વાન કરતા જણાવ્યું છે કે માત્ર વાહ-વાહી કરવાથી કે તાળીઓ પાડવાથી કંઈ નહીં થાય. સંગઠનની ખરી તાકાત અને કાર્યકરોની કસોટીનો આ જ સાચો સમય છે. જ્યારે જરૂર પડે ત્યારે જ ઊભા રહે તે સાચા કાર્યકર્તા કહેવાય. તેઓએ તમામ કાર્યકરોને કોઈ પણ જાતની આળસ કર્યા વિના કે બહાના કાઢ્યા વિના પોતાના કામ પડતા મૂકીને જેતપર પહોંચવા જણાવ્યું છે. રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં 5000 બ્લડ બેગનો ટાર્ગેટ પૂરો કરવા પર તેઓએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. #MorbiUpdate #ManojPanara #PatidarYuvaSevaSangh #BloodDonationCamp #Jetpur #FarmersProtest #GujaratNews #CeramicIndustry #Morbi #SocialWork #JaiSardar