અવની ચોકડી વિસ્તારના 60 થી 70 વર્ષના 40 જેટલા વડીલોના મંડળની અનોખી જીવદયા, મોરબી પાંજરાપોળે માન્યો આભારમોરબી : મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમાં કાર્યરત દ્વારકાધીશ પ્રભાત ફેરી મંડળ દ્વારા અનોખું જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું છે. 60 થી 70 વર્ષની ઉંમરના 40 જેટલા વડીલોના આ મંડળ દ્વારા મોરબી પાંજરાપોળની ગૌમાતા માટે 277 ટ્રક જેટલો સુકો ઘાસચારો અને પક્ષીઓ માટે માસિક 30 મણ ચણ અર્પણ કરવામાં આવતા મોરબી પાંજરાપોળ દ્વારા આ વડીલોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.દ્વારકાધીશ પ્રભાત ફેરી મંડળ દર અગિયારસના રોજ સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી અવની ચોકડીની આજુબાજુની તમામ સોસાયટીઓમાં પ્રભાત ફેરી કાઢે છે. વહેલી સવારે 5 વાગ્યે ધૂન, ભજન અને પ્રભાતિયાના ગાન સાથે ભક્તિમય વાતાવરણ સર્જાય છે. આ મંડળને સિમ્પોલો ગ્રુપના ઠાકરશીભાઈ તથા અમુક ગામડાઓમાંથી પણ સતત યોગદાન મળી રહે છે.આ પ્રભાત ફેરી અને મળતા યોગદાન થકી આવકમાંથી મંડળ દ્વારા 277 ટ્રક જાતે ખરીદીને સુકો ઘાસચારો મોરબી પાંજરાપોળને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દર મહિને 30 મણ જેટલી ચણ પક્ષીઓ માટે નાખવામાં આવે છે.વડીલોની આ મહેનત અને જીવદયાની ભાવનાને બિરદાવતા મોરબી પાંજરાપોળના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે અને મંડળના વડીલોનો આભાર માન્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Jivdaya #Gauseva #MorbiPanjarapole #PrabhatFeri #AvaniChokdi