સફાઈ કામ માટેના સાધનો બગડતા શહેરની સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરની કામગીરી પ્રભાવિતમોરબી : મોરબી મહાનગર પાલિકાની શાખ પણ ધીમે ધીમે મોરબી નગર પાલિકા જેવી થઈ રહી છે.હાલમાં કોર્પોરેશનની સફાઈ અને અન્ય કામગીરી કરતા 25 પૈકી 11 વાહનો બંધ પડ્યા હોવાનું સામે આવ્યું છે.બીજીતરફ સર્વિસ અને રિપેરીંગના કારણે વાહનો બંધ થતાં સફાઈ કામગીરીને માઠી અસર પડી હોવાનું સામે આવ્યું છે.સાથે જ રિપેરીંગના પૈસા નિયમિત ચુકવવામાં આવતા ન હોવાથી હવે ગેરેજ અને સર્વિસ સ્ટેશનોમાંથી પણ પહેલા પૈસા ચૂકવવા કહેવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરની વ્યાપક ફરિયાદો વચ્ચે હાલમાં સફાઈ કામમાં ઉપયોગમાં લેવાતા કુલ 25 પૈકી 11 વાહનો એક સપ્તાહથી બંધ હોવાનું સામે આવ્યું છે. જેમાં બે જેસીબી, બે રોબોટ અને 3 લોડરનો સમાવેશ થાય છે.આ ઉપરાંત 4 ટ્રેકટર ડ્રાઇવરના કારણે બંધ હોવાથી કચરો ઉપાડવાની કામગીરીને અસર પડી છે.દરમિયાન કોર્પોરેશનના બંધ પડેલા વાહનો અંગે ગેરેજ વિભાગના અધિકારી દીપ ફળદુનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તેમને ફોન રિસીવ કર્યો ન હતો.ઉલ્લેખનીય છે કે, વાહન સર્વિસ અને રીપેરીંગ કામમાં અગાઉના પેમેન્ટ બાકી હોવાથી બાકીમાં કામ કરવાની સર્વિસ સ્ટેશન અને રીપેરીંગ એજન્સીઓએ ઘસીને ના કહી હોવાનું પણ સુમહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે. હાલમાં વાહનો બંધ હોવાથી શહેરમાં સફાઈને લગતી સમસ્યાઓ પણ વકરી હોવાનું સામે આવ્યું છે.