પાંચ આરોપીઓએ ઝઘડો કરી છરીઝીકી પાઈપના ઘા ફટકાર્યામોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં બે દિવસ પૂર્વે મિત્ર સાથે ચાલતી દુશ્મનાવટનો ખાર રાખી રાત્રીના સમયે માતાજીના મંદિરના ઓટા પર બેઠેલા અન્ય બે મિત્રોને પાંચ શખ્સોએ કારણ વગર છરીના ઘા ઝીકી હવે પછી જો તમારા મિત્ર સાથે સંબંધ રાખશો તો જાનથી પતાવી દેવાની ધમકી આપી પાઇપ વડે બેફામ માર મારતા પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વજેપર શેરી નંબર 11મા રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી રોહિત જગદીશભાઈ બાંભણીયાએ આરોપી જગદીશ ઉર્ફે જગો સુરેશભાઈ થરેસા, દીપ ગણેશભાઈ રાવલ, જીજ્ઞેશ ભીમાભાઈ રહે.વજેપર, જયપાલ ઝાલા રહે.શિવ સોસાયટી અને આરોપી સાહિલ મુન્નાભાઈ જાદવ રહે.કાલિકા પ્લોટ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.21ના રોજ ફરિયાદી તેમના મિત્ર વિશાલ અને ખોડાભાઈ સાથે વજેપર ખોડિયાર મંદિરના ઓટા પર બેઠા હતા ત્યારે ખોડાભાઈ જતા રહ્યા બાદ આરોપીઓ આવ્યા હતા અને ખોડો ક્યાં છે ? કહી કહ્યું હતું કે, અમારે ખોડા સાથે દુશ્મનાવટ ચાલે છે.તમે બન્ને ખોડા સાથે સંબંધ રાખતા નહિ કહી ઝઘડો કરી આરોપીઓ છરી લઈ તૂટી પડયા હતા.બાદમાં વિશાલ વચ્ચે પડી છોડાવી દવાખાને લઈ જતો હતો ત્યારે ફરી આરોપીઓ બાઈક લઈને પાછળ આવી વિશાલને માથામાં પાઈપના ઘા ઝીકી ફરિયાદીને પણ બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.