370 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા: વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 100 વિદ્યાર્થીઓનું સન્માનમાળિયા (મિયાણા) : માળિયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કન્યા પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા, મિશ્ર પ્રાથમિક શાળા અને સાર્વજનિક હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે 'પ્રગતિનો પ્રવેશોત્સવ' થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓનું વિદ્યાર્થીનીઓએ કુમકુમ તિલક કરી અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.આ પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ 1 ના કુલ 115 બાળકોને દાતાઓના સહયોગથી યુનિફોર્મ, શૈક્ષણિક કીટ અને કલર કીટ આપીને પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત સાર્વજનિક હાઈસ્કૂલના ધોરણ 9 અને ધોરણ 11 ના કુલ 155 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે રાઇટિંગ પેડ આપીને આવકારવામાં આવ્યા હતા. હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ કન્યા કેળવણી અને 'બેટી બચાવો' વિષય પર પ્રેરક વક્તવ્યો રજૂ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન ગત વાર્ષિક પરીક્ષામાં ધોરણ 3 થી 12 માં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર, CET, TST, SSE અને NMMS પરીક્ષા પાસ કરનાર, 100% હાજરી ધરાવનાર તેમજ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ અને ઝોન કક્ષાએ STEM ક્વિઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ 100 જેટલા તેજસ્વી તારલાઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 370 વિદ્યાર્થીઓને પેડનું દાન આપનાર દાતા વિકાસભાઈ થડોદા અને હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશદ્વારના દાતા ગૌરીબેન પ્રભુભાઈ હુલાણીનું પુસ્તક અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સી.આર.સી. કાનજીભાઈ બોરીચાએ વધુ નામાંકન બદલ ગ્રામજનોને બિરદાવ્યા હતા અને શિક્ષણની વિવિધ યોજનાઓ તેમજ ડ્રોપ આઉટ થયેલા બાળકોના 'બેક ટૂ સ્કૂલ' અંતર્ગત નામાંકન પર ભાર મૂક્યો હતો. SMC અને SMDC મીટીંગમાં ટી.ડી.ઓ. જે. ટી. પંડ્યાએ કન્યા કેળવણી વધારવા, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને દાતાઓના સહયોગથી શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે વાલીઓને જાગૃત કર્યા હતા. શાળાના મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના એ. બી. ડોબરીયા, માળિયા તાલુકા વિકાસ અધિકારી જે. ટી. પંડ્યા, જિલ્લા પંચાયત સદસ્ય સંદીપભાઈ કુંવરિયા, તાલુકા પંચાયત સદસ્ય શોભાબેન વિરમભાઇ સંખેસરિયા, ગ્રામ પંચાયત સરપંચ વનિતાબેન દિનેશભાઇ પારજીયા, માળિયા બી.આર.સી. મહેન્દ્રભાઈ રાઠોડ, મોટા દહીંસરા સી.આર.સી. કાનજીભાઈ બોરીચા, વેજલપર અને વાધરવા તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક વન વિભાગના જે. એ. પીપરીયા, ICDC ના રંજનબેન પંચાલ, તલાટીમંત્રી અશોકભાઈ ફોક, પંચાયત સભ્ય મુનાભાઇ પરમાર અને ખાખરેચી PHC ના મહેશભાઈ વાઘેલા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં મિશ્ર શાળાના આશિષભાઈ બાવરવાએ મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યો હતો. હાઈસ્કૂલના આચાર્ય મેહુલભાઇ ભોરણિયાએ ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમ પાલનના શપથ લેવડાવ્યા હતા અને તમામ મહાનુભાવો, અધિકારીઓ, દાતાઓ તથા ગ્રામજનોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.#Morbi #MorbiUpdate #Maliya #Khakhrechi #ShalaPraveshotsav2026 #Education #KanyaKelavani #BetiBachao #GujaratEducation