અદેપર ગામના સરપંચે પોતાના ગામનું વાહન પાછું ખેંચાવી લેવાની ખાતરી આપી દરેક ગામના લોકોને અપીલ કરી મોરબી : જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજ લાઇનના વિરોધમાં ચલાવવામાં આવી રહેલા આંદોલન અને ઉપવાસ છાવણીને ચારેતરફથી સમર્થન મળી રહ્યું છે. આ આંદોલનમાં અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલાએ રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતોને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. ઉપરાંત તેઓએ વીજલાઇનના કામમાં ભાડા પર ચાલતા હેવી વાહનો તાત્કાલિક બંધ કરાવવા માલિકોને આહવાન કર્યું છે.અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલાએ ઉપવાસ છાવણીમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, તેમને જાણવા મળ્યું છે કે અદેપર ગામની એક ગાડી વીજ લાઇનના કામમાં અધિકારીઓને લઈને ફરી રહી છે. મંચ પરથી સૌને ખાતરી આપું છે કે અદેપર ગામની કોઈ પણ ગાડી હવેથી આ વીજ કંપનીના કામમાં નહિ ચાલે. તેઓએ સ્પષ્ટ કર્યું કે જ્યારે ખેડૂતોને આ વીજ કંપનીની જરૂર નથી, તો આપણે શા માટે તેમને આપણા વાહનો આપવા જોઈએ.વધુમાં, અદેપરના સરપંચે આજુબાજુના તમામ ગામના સરપંચોને અને વાહન માલિકોને નમ્ર અપીલ કરી હતી કે તેઓ પણ ખેડૂતોના આ આંદોલનમાં સહયોગ આપે. જો તેમના ગામની કોઈ પણ ગાડી, ટ્રક કે JCB વીજ લાઇનના કામમાં ચાલતા હોય તો તેને તાત્કાલિક બંધ કરાવે. આ સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચની આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.#MorbiUpdate #Jetpar #KhedutAndolan #FarmersProtest #Adepar #MorbiNews #GujaratFarmers #JetparNews #KisanEkta