પહેલા સુધારા સાથેનો પરિપત્ર આપો પછી જ મંત્રણા : માત્ર જેતપરનો નહિ, સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિતનો નિર્ણય આવશે ત્યારે જ આંદોલન સમેટાશે તેવી ખેડૂતોની જાહેરાતમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર અને મક્કમ બની રહ્યું છે. આજે આમરણાંત ઉપવાસ આંદોલનનો 6મો દિવસ છે. ત્યારે આજે રાત્રિના સમયે કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જેતપર ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા. અધિકારીઓએ ખેડૂતોને વાટાઘાટો માટે ગાંધીનગર આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ ખેડૂતોએ આ ઓફરને સ્પષ્ટપણે નકારી કાઢી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.જેતપર ગામના ખેડૂત નિકેત પંચાસરાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સંગઠન સમિતિએ ગાંધીનગર જવાની સખત મનાઈ ફરમાવી દીધી છે. ખેડૂતોની માંગ છે કે સરકાર પહેલા તેમને લેખિતમાં ડ્રાફ્ટિંગ આપે. સરકાર તરફથી જે ડ્રાફ્ટિંગ આવશે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ ખેડૂતો આગળની રણનીતિ નક્કી કરશે અને ત્યાં સુધી કોઈ પણ ખેડૂત ગાંધીનગર નહીં જાય.ખેડૂતોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા તેમને ગાંધીનગર આવવાનું 2 વાર તેડુ મોકલ્યું છે, પરંતુ તેઓએ જવાનો ઇનકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ માત્ર જેતપર ગામ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે છે. તેથી, તેઓ માત્ર જેતપર ગામનો કોઈ વ્યક્તિગત કે અલગ સોદો કોઈપણ ભોગે નહીં કરે. જો સમાધાન થશે તો તે તમામ 100% ખેડૂતોના હિતમાં જ થશે, બાકી આંદોલન યથાવત રહેશે.#MorbiUpdate #MorbiNews #Jetpar #KhedutAndolan #FarmersProtest #GujaratFarmers #Morbi