ગાઈડલાઈનમાં સુધારો કરી નવી પરિપત્ર બહાર પાડવામાં આવે અને કામ અટકાવામાં આવે ત્યારબાદ જ વાતચીત થઈ શકશે : ખેડુતોએ મુખ્યમંત્રીને લેખિતમાં માંગણીઓ મોકલીમોરબી : મોરબીના જેતપર મુકામે વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલી ખેડૂતોની ઉપવાસ છાવણીમાં ગત રોજ સરકારી તંત્ર દ્વારા ખેડૂતોને ચર્ચા વિચારણા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. SDM અને તેમની ટીમ છાવણી ખાતે આમંત્રણ આપવા આવી હતી. જોકે, ખેડૂત સમિતિ દ્વારા આ આમંત્રણને નકારી કાઢવામાં આવ્યું છે. ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કામ બંધ ન થાય અને નવો પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી કોઈ મંત્રણા કરવામાં આવશે નહીં.સાથે જ ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને પોતાની માંગણીઓ લેખિતમાં મોકલવામાં આવી છે અને સરકારને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે.ખેડૂતોની મુખ્ય માંગણીઓ હાલ સંપૂર્ણ ગુજરાતમાં હાઇટેન્શન વીજલાઇનના યોગ્ય વળતરને લઈને ખેડૂતો પીડાઇ રહ્યા છે અને આંદોલનના માર્ગે છે. ટેલીગ્રાફ એકટ 1885 કલમ 10(d) મુજબ TSP કંપનીએ ખેતરોમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું રહે છે અને થાંભલા તથા તારથી થતું સંપૂર્ણ નુકસાન ચૂકવવાનું રહે છે. જેથી ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે અથવા તો કેન્દ્ર સરકારની તારીખ 14/06/2024 અને 21/03/2025 ની ગાઇડલાઇનમાં નીચે મુજબના સાનુકુળ સુધારા કરે:● ટાવર વિસ્તાર માટે 400% વળતર: 14/06/2024 ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી કરી તેના 200% નો ઉલ્લેખ છે. પરંતુ હાઈ વોલ્ટેજ લાઇન હોવાથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડના વધારાના 200% ઉમેરીને કુલ 400% વળતર (જંત્રીના નહીં પરંતુ બજાર કિંમતના) આપવામાં આવે, જેમ રાજસ્થાન સરકારે આપ્યું છે. ● RoW વિસ્તાર માટે વધારાનું વળતર: RoW માટે 21/03/2025 ની ગાઇડલાઇનમાં બજાર કિંમતના 30%, 45% અને 60% આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ થાંભલા અને તાર બંનેના ક્ષેત્રફળમાં હોવાથી RoW વિસ્તારમાં 200% વધારે એટલે કે કુલ 230%, 245% અને 260% વળતર આપવામાં આવે.● બજાર કિંમત માટે MRC કમિટી: જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે DLVC કમીટીને બદલે 21/03/2025 ની ગાઇડલાઇન પ્રમાણે MRC કમીટીની રચના કરવામાં આવે.● એકસાથે અને એડવાન્સ વળતર: 14/06/2024 ની ગાઇડલાઇનના પોઇન્ટ નંબર 9 પ્રમાણે તમામ પ્રકારનું વળતર (ટાવર વિસ્તારનું, RoW વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક જ હપ્તામાં અને એડવાન્સમાં આપવામાં આવે. ● કલેક્ટરની કાર્યવાહી પહેલાં હુકમ: TSP કંપની ટેલીગ્રાફ એકટ 1885 ની કલમ 10(d) મુજબ સંપૂર્ણ નુકસાનીના વળતરનો હુકમ ખેડૂતોને આપે. આ હુકમ કલેક્ટર કચેરીમાં જમા કરાવ્યા પછી જ કલેક્ટર કલમ 16(1) હેઠળની કાર્યવાહી ચાલુ કરે.● નવો પરિપત્ર બહાર પાડવા માંગ: ઉપર મુજબના સુધારા કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગની ગાઇડલાઇન 14/06/2024 અને 21/03/2025 માં કરીને, તથા બાકીના નિયમો તેમાં છે તે મુજબ જ રાખીને ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે. ખેડૂતોએ 'જય જવાન, જય કિસાન' ના નારા સાથે આશા વ્યક્ત કરી છે કે આગામી 2 થી 3 દિવસમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ પરિપત્ર જાહેર કરવામાં આવશે અને તેમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #KisanAndolan #GujaratNews #HighTensionLine #FarmerDemands #NileshErvadiya