ખેડૂતોની મંજૂરી વિના ચાલતી ટાવરની કામગીરીનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ, તાત્કાલિક કામ બંધ કરાવાયુંમાળિયા (મિયાણા) : માળિયા તાલુકાના રાસંગપર ગામે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે તે રીતે વીજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે ગામના સરપંચ અને સ્થાનિક ખેડૂતોએ એકઠા થઈને આ કામગીરી અટકાવી દીધી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાસંગપર ગામની સીમમાં વીજ કંપની દ્વારા મોટા ટાવર ઉભા કરવાની અને વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અંગે ખેડૂતો અને સરપંચના જણાવ્યા મુજબ, આ કામગીરી માટે ખેડૂતોને યોગ્ય વિશ્વાસમાં લીધા વિના કે નિયમાનુસાર પ્રક્રિયા કર્યા વિના કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જેના પગલે ગામના સરપંચની આગેવાનીમાં ખેડૂતો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કામગીરી કરી રહેલા કર્મચારીઓને વીજ પોલ પરથી નીચે ઉતાર્યા હતા અને કામ અટકાવ્યું હતું.ખેડૂતો અને ગ્રામજનોએ ત્યાં હાજર કર્મચારીઓ સમક્ષ રોષ ઠાલવ્યો હતો અને જ્યાં સુધી કોઈ જવાબદાર અધિકારીઓ સ્થળ પર ન આવે અને યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ આગળ ન વધારવા સ્પષ્ટ ચીમકી આપી હતી. ગ્રામજનોના ઉગ્ર વિરોધને પગલે આખરે વીજ લાઇનના ટાવર ઉભા કરવાનું કામ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજ પોલ નાખવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓને કંપની તરફથી કોઈ હેલ્મેટ કે સુરક્ષા વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી અને સુરક્ષા વિના કર્મચારીઓ વીજપોલ પર ચડીને કામગીરી કરી રહ્યા છે.#Morbi #Maliya #Rasagpar #MorbiUpdate #GujaratNews #FarmersProtest #MorbiNews #LocalNews