એમ્બ્યુલન્સમાં અપૂરતી સુવિધા હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ જવાનો ઇનકાર, ઉપવાસ છાવણીમાં પરત ફર્યામોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના વિરોધમાં છેલ્લા 5 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલી રહ્યું છે. આજે ઉપવાસ દરમિયાન નિલેશભાઈ એરવાડિયાની તબિયત લથડતાં છાવણીમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. તબિયત બગડતાં તેમને સારવાર માટે લઈ જવા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ એમ્બ્યુલન્સમાં અપૂરતી સુવિધાઓ હોવાનો આક્ષેપ કરીને તેઓ હોસ્પિટલ જવાના બદલે ફરી ઉપવાસ છાવણીમાં પરત ફર્યા છે.એમ્બ્યુલન્સમાં નથી AC કે નથી યોગ્ય ડોક્ટર: નિલેશભાઈ એરવાડિયાનિલેશભાઈ એરવાડિયાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકારી 108 એમ્બ્યુલન્સમાં AC પણ ચાલુ નથી અને તેમાં કોઈ MBBS કે MD ડોક્ટર હાજર નથી, માત્ર નર્સિંગ સ્ટાફ જ ઉપલબ્ધ છે. મને છાતીમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. છતાં આવી અપૂરતી સુવિધા વાળી ગાડી મોકલવામાં આવી છે. જો એમ્બ્યુલન્સમાં કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય કે મારું મોત થાય તો તેની જવાબદારી કોની? તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં સુધી મને પ્રોપર MD કે MBBS ડોક્ટરની ફેસિલીટી પૂરી પાડવામાં નહીં આવે, ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જઈશ નહીં. જો મારું મોત થશે તો હું આ ઉપવાસ છાવણીમાં જ મરીશ, પણ અધૂરી સુવિધાઓ વચ્ચે સારવાર માટે નહીં જાઉં.ખેડૂતોનો વિરોધ યથાવતજેતપર અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો અદાણીની વીજલાઈન પસાર કરવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના હિત માટે શરૂ કરાયેલા આ આમરણાંત ઉપવાસના 5 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં નિલેશભાઈ એરવાડિયા તબિયત નાદુરસ્ત હોવા છતાં છાવણી પર જ અડગ રહીને ઉપવાસ ચાલુ રાખ્યા છે.#Morbi #Jetpar #FarmersProtest #NileshErvadiya #MorbiUpdate #108Ambulance #BreakingNews #MorbiNews