અમે પણ ખેડૂતના દીકરા છીએ, સમજીએ છીએ ખેડૂતને પૈસા મળવા જોઈએ, આ મામલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સક્રિય છે : જેતપર આંદોલનને લઈને મંત્રીનું નિવેદનમોરબી : મોરબીમાં જેતપરમાં વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દરરોજ વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. આ આંદોલનને વ્યાપક જન સમર્થન પણ મળી રહ્યું છે. તેવામાં આ ગામના જ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ નિવેદન આપ્યું છે કેટુંક સમયમાં ખેડૂતોના પ્રશ્નનો નિકાલ લાવવા સરકાર હકારાત્મક છે.મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું છે કે,અમે પણ ખેડૂતના દીકરા છીએ અમે સમજીએ છીએ ખેડૂતને પૈસા મળવા જોઈએ. ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિકાલ માટે ગત બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને મંત્રીઓની એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોને કઈ રીતે વધુમાં વધુ ફાયદો અને યોગ્ય વળતર મળી શકે તે અંગે નવી દરખાસ્ત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. કાંતિલાલ અમૃતિયાએ વળતરના આંકડા અંગે વાત કરતા જણાવ્યું કે, હાલમાં મોરબી જિલ્લામાં ખેડૂતોને 980 રૂપિયા વળતર મળી રહ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં આ દર 480 રૂપિયા છે. મોરબી જિલ્લો એક મોટું ઔદ્યોગિક હબ હોવાથી અહીં જમીનના ભાવો ખૂબ જ ઊંચા છે. આ બાબતને ધ્યાને રાખીને ખેડૂતોને તેમની કિંમતી જમીનનું વધુ વળતર મળે તે માટે કૃષિ મંત્રી જીતુભાઈ અને અન્ય મંત્રીઓ સાથે પણ મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા કરવામાં આવી છે.તેઓએ ઉમેર્યું કે, કોઈપણ સરકારી કે ખાનગી કંપનીના વળતરના નિયમો બદલવા માટે એક ચોક્કસ સરકારી પ્રક્રિયા હોય છે. આ માટે રાજ્યના તમામ કલેક્ટરોને આદેશ આપી રિપોર્ટ મંગાવવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આ બાબતે ખૂબ જ હકારાત્મક છે અને ટૂંક સમયમાં નિર્ણય આવશે.કાંતિલાલ અમૃતિયાએ અંતમાં કહ્યું છે કે, ખેડૂતોને પોતાનો હક માંગવાનો પૂરો અધિકાર છે, પરંતુ તેઓએ કોઈના દોરવાયા વગર કે બહેકાવવામાં આવ્યા વગર આવેદનપત્ર આપીને શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી શકે છે. ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં રહી છે અને આગામી સમયમાં પણ ખેડૂતોને ન્યાય મળે તેવો જ નિર્ણય લેવામાં આવશે.#Morbi #MorbiUpdate #FarmersProtest #KantilalAmrutiya #BhupendraPatel #HarshSanghavi #GujaratGovernment #FarmerCompensation #MorbiNews #GujaratFarmers