કંપનીને ગેરકાયદેસર રીતે બીજાના ખેતરમાંથી પ્રવેશ ન અપાતા મિક્સરમાં માલ જામી જવાની બીકે રસ્તા પર ઠાલવી દેવાયોમોરબી : મોરબીના જેતપર ગામે વીજ પોલ ઊભો કરવાની કામગીરી દરમિયાન રસ્તાના વિવાદને કારણે કંપની દ્વારા કાચા માર્ગ પર જ કોંક્રિટનો આખો માલ ઠાલવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, જે ખેતરમાં વીજ પોલ કે ટાવર ઊભો કરવાનું કામ ચાલી રહ્યું છે, તે ખેતર તરફ જવાનો સરકારી રેકોર્ડ પર કોઈ કાયદેસરનો રસ્તો નથી. અત્યાર સુધી આસપાસના ખેડૂતો જૂના ગાડા માર્ગ તરીકે પરસ્પર સમજૂતીથી અહીંથી પસાર થવા દેતા હતા. જો કે, વીજ ટાવરની કામગીરી માટે હિટાચી, જેસીબી, ટ્રેક્ટર, મોટા ટ્રક અને કોંક્રિટ મિક્સર જેવા અતિ ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થવા લાગ્યા હતા.આસપાસના 2 થી 3 ખેડૂતોએ પોતાના ખેતરમાંથી આવા હેવી વાહનો પસાર કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ખેડૂતોનું કહેવું હતું કે આવા ભારે વાહનો ચાલવાથી તેમના ખેતરના રસ્તા અને પાકને નુકસાન થાય છે. ખેડૂતોના વિરોધના કારણે કોંક્રિટ ભરેલું મિક્સર વાહન ત્યાં જ અટવાઈ ગયું હતું. મિક્સરમાં રહેલો કોંક્રિટનો માલ જો લાંબો સમય અંદર પડી રહે તો તે અંદર જ જામી જાય અને મિક્સર મશીન આખું બગડી જાય તેમ હતું. આથી, કંપનીએ તાત્કાલિક નિર્ણય લઈ મિક્સર બચાવવા માટે કોંક્રિટનો તમામ માલ ત્યાં જ કાચા રસ્તા પર ખાલી કરી દીધો હતો. આ કોંક્રિટ જામી ગયા બાદ કાચા રસ્તા પર ખેડૂતોને નડતરૂપ બનવાનું હોય, ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. #Morbi #MorbiUpdate #MorbiNews #BreakingNews #Farmers #Concrete Mixer #GujaratNews