દારૂની બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને બંદૂકથી ભડાકા કરીને હત્યા કરાઈમોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર મફતિયાપરા વિસ્તારમાં એક યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના બનાવમાં બી ડિવિઝન પોલીસે મૃતકના કાકા અને પિતરાઈ ભાઈ સહિત 4 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. મૃતક યુવાન પોલીસને દારૂના ધંધાની બાતમી આપતો હોવાની શંકાએ તેની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. હાલ આ મામલે પોલીસે આરોપીઓને શોધખોળ ચલાવી છે. મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલ થાનગઢ ખાતે વેપાર કરતા 22 વર્ષીય ઇરફાનભાઈ ગફુરભાઈ ભટ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, તેમના મોટા ભાઈ હનીફભાઈ ભટ્ટી મોરબી-2 વિસ્તારમાં શોભેશ્વર રોડ પર મફતિયાપરામાં સિકંદરભાઈ માણેકની ઓરડીમાં રહેતા હતા. આજે રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે ઇરફાનભાઈને તેમના બનેવીનો ફોન આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે હનીફભાઈની હત્યા કરી નાખવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાવનું મુખ્ય કારણ એ છે કે ફરિયાદીના કાકા ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી ઇંગ્લીશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરે છે. જ્યારે પણ તેમના પર પોલીસ કેસ થાય ત્યારે ફારૂકભાઈ એવો શક રાખતા હતા કે હનીફભાઈ પોલીસને બાતમી આપીને તેમને પકડાવે છે. આ બાબતનો ખાર રાખીને અવારનવાર ઘર પરિવારમાં ઝઘડા પણ થતા હતા. આ જ અદાવતમાં ફારૂકભાઈ, તેમનો દીકરો રિયાઝ, અને તેમની સાથે કામ કરતા થાનગઢના સમીર સૈયદ તથા નાઝીમ દિવાન થાનથી મોરબી આવ્યા હતા. આ ચારેય શખ્સોએ એકસંપ કરીને હનીફભાઈને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ બંદૂકના ભડાકા કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.આ ઘટનાની જાણ થતાં પરિવારજનો મોરબી દોડી આવ્યા હતા જ્યાં રૂમમાં હનીફભાઈની લોહીલુહાણ અને મોઢાના ભાગે તેમજ શરીરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદને આધારે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MurderNews #MorbiPolice #GujaratPolice #BNS #FIRNews