પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો મુખ્ય કાર્યક્રમ : મંત્રી કાંતિભાઈની ઉપસ્થિતિમાં અનેક લોકોએ કર્યા યોગમોરબીમાં ચાલે છે 100 જેટલા યોગ ક્લાસ : આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા 6 સ્થળોએ નિયમિત યોગ શરૂ કરાશેમોરબી : મોરબી જિલ્લાકક્ષાએ 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ભારતના પ્રયાસોથી દેશ અને દુનિયામાં યોગનો વ્યાપ વધ્યો છે, ત્યારે આજે મોરબીમાં પણ લોકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મુખ્ય કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, વિવિધ સરકારી તંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં છેલ્લા 12 વર્ષથી દેશ અને દુનિયામાં યોગની પ્રકૃતિ ખીલી છે. આજે મોરબીમાં પણ અંદાજિત 100 જેટલી જગ્યાઓ પર યોગ ક્લાસ ચાલે છે. શારીરિક અને માનસિક સ્વસ્થતા તેમજ રોગોથી દૂર રહેવા માટે યોગ ખૂબ જરૂરી છે. લોકોને સ્વસ્થ રાખવાના આશયથી આગામી દિવસોમાં મોરબી કોર્પોરેશન દ્વારા પણ 6 જેટલી જગ્યાએ કાયમ માટે ટ્રેનર દ્વારા યોગની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે.જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ મોરબીના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ માત્ર આજે જ નહીં, પરંતુ યોગને પોતાના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવે.#Morbi #MorbiUpdate #InternationalYogaDay #YogaDay2026 #MorbiNews #Gujarat #HealthAndWellness #YogaForLife