જેતપર ગામ સમાજ માટે હંમેશા લડયું છે, આજે આપણી ફરજ છે કે તેની પડખે ઉભા રહીએ, જો આ આંદોલનમાં જીત ન થઈ તો સામાન્ય માણસોથી લઈ બિલ્ડર સુધીના તમામ ભોગ બનશે : પાટીદાર યુવા સેવા સંઘની મિટિંગમાં હજારોની મેદની ઉમટી, ખેડૂતોની લડત હવે વધુ વેગ પકડે તેવા એંધાણમોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેના સમર્થનમાં આજે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા રવાપરમાં ઇમરજન્સી મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવાથી જગ્યા પણ ટૂંકી પડી હતી. આ બેઠકમાં મનોજભાઈ પનારાએ મોરબીના લોકોને દરરોજ સાંજે જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ઉમટી પડવા હાંકલ કરી હતી. આવી 18 લાઈન આવવાની છે, હવે જાગ્યા નહિ તો ઘર ઉપરથી લાઈનો નીકળશે!મનોજભાઈ પનારાએ મિટિંગના જણાવ્યું કે હાલ 8 લાઈનના સર્વે ચાલુ છે. આગામી સમયમાં 18 લાઈન આવવાની છે. જેથી કોઈ ગામ બચી શકશે નહીં. બિલ્ડરથી માંડી સામાન્ય માણસને આનો ભોગ બનવું પડશે. રોકાણ જેટલા પૈસા પણ નહીં રહે. જેને જમીન લીધી હશે તે પણ આમાંથી નહિ બચે, જેને બાપ દાદાની જમીન છે તે પણ નહીં બચે. જો હવે જાગૃત ન થયા તો ઘર ઉપરથી લાઇન નીકળશે. જો અત્યારે ન જીત્યા તો આ કંપની આખા તાલુકાની જમીનો લઈ લેશે!મનોજભાઈ પનારાએ જણાવ્યું કે આ આંદોલનમાં જો અત્યારે ન જીત્યા તો આવનારો સમય કપરો હશે. 10 વર્ષ પછી એવું થશે કે અદાણીને વિચાર આવશે કે ટંકારાની જમીન ફળદ્રુપ છે મારે ફલાણી વસ્તુ વાવવી છે. આખા તાલુકાની જમીન તેને આપી દેવી પડશે. આવી જ રીતે બીજી કંપની આવશે અને વાંકાનેર તાલુકાની બધી જમીન તેને આપી દેવી પડશે. કંપની માટે વળતરના પૈસા ખેતરમાંથી ખોબો એક ધૂળ લઈ એટલા જ થાયમનોજભાઈ પનારાના જણાવ્યા અનુસાર આ ખેડૂતોને વળતરના પૈસા સરકારને ચુકવવાના નથી, નેતાને કે અધિકારીને ચૂકવવાના નથી. વિશ્વની ટોચની પૈસાદાર કંપનીને ચૂકવવાના છે છતાં પણ કેમ ચૂકવવા રાજી નથી. આ કંપની એટલી પૈસાદાર છે કે વળતરની રકમ છે તે તેના માટે ખેતરમાંથી ધૂળનો ખોબો ભરાય એટલો જ થાય. વધુમાં આ લાઈનનો ટોટલ ખર્ચ છે તે અદાણીના એક વર્ષના નફામાંથી નીકળી જાય. છતાં દાદાગીરી કરે છે. કંપની જેતપરમાં બરાબર ભાઠે ભરાઈ, આ ગામનો લડતનો આખો ઇતિહાસ છેમનોજભાઈ પનારાએ કહ્યું કે જેતપરનો લડતનો આખો ઇતિહાસ છે. કંપની જેતપરમાં બરાબર ભાઠે ભરાઈ છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે જેતપર ગામ સમાજ માટે હંમેશા લડયું છે. અત્યારે આ ગામને સમર્થનની જરૂર છે. હવે આપણે જેતપર ન જઈએ તો આપણે ખેડૂતના દીકરા ન કહેવાય. આપણી જીત થઈ પછી કોઈની ત્રેવડ નથી કે પોલ નાખી શકે. શહેરવાળાને આ સમસ્યા સમજાવવા માટેનું ઉદાહરણમનોજભાઈ પનારાએ જણાવ્યું કે શહેરવાળાને એમ થતું હશે કે ખેડૂતોને શુ સમસ્યા છે લાઈનથી. તો તેમને હું કહેવા માગું છું કે જો તમારો 4bhk ફ્લેટ હોય, કોઈ આવીને એમ કહે કે તેમાંથી 1 રૂમ ધરાર વેચાતો જોઈએ છે. અને ભાવ પણ તે જ નક્કી કરશે. આવી શરતોમાં તમે રૂમ ન આપો તો બહેન-દીકરી ઉપર લાઠી ચાર્જ કરાવે, પુરુષોને જેલમાં પુરાવે, આવુ અદાણી કરી રહ્યું છે. ખેડૂતોની આ સમસ્યા છે. બિનખેતી માટે એનઓસી લેવા જશો ત્યારે કંપની શ્વાનની જેમ હડકાવીને કાઢી મુકશે!મનોજભાઈ પનારાએ જણાવ્યું કે પોલ આવ્યા બાદ જ્યારે તમે બિનખેતી માટે કંપની પાસે એનઓસી લેવા જશો, ત્યારે શ્વાનને હડકાવીને કાઢી મૂકે તેમ તમને કાઢી મુકશે. તેઓએ ઉમેર્યું કે એક પણ મોટા નેતાના ખેતરમાં પોલ આવ્યો નથી. સાચા અર્થમાં અંગ્રેજશાહી કેવી હતી તે જોવું હોય તો જેતપરની ઘટના જોવો. આ દાદાગીરી વાળી લોકશાહી છે. એક પોલના રૂ.2 કરોડથી ઓછા લેવાના જ નથીમનોજભાઈ પનારાએ કહ્યું કે કંપની પાસેથી એક પોલના રૂ.2 કરોડથી ઓછા આપણે લેવાના જ નથી. નહિતર આંદોલન ચાલુ જ રાખવામાં આવશે. તેઓએ જેતપર ગામના લોકોની હિંમતને બિરદાવતા કહ્યું કે આંદોલનનો પાર્ટ-1 ફેઈલ થયો છતાં જેતપરના ખેડુતોએ એકલા હાથે પાર્ટ- 2 શરૂ કર્યો. વધુમાં તેઓએ કાંતિલાલ અમૃતિયાનું નામ લીધા વગર તેમના વિશે કહ્યું કે મંત્રી ગામના જ છે. તેને પણ એમ જ હોય કે મારા ગામના ખેડૂતને વધુ મળે, પણ અમુક મર્યાદા નડતી હોય છે. મોરબીના લોકો સાંજે જ્યાં ત્યાં ગપ્પા મારવા કે ટીવી જોવાના બદલે જેતપરમાં ઉમટી પડેમનોજભાઈ પનારાએ કહ્યું કે મોરબીના લોકો સાંજે જ્યાં ત્યાં પાનના ગલ્લે કે સોસાયટીમાં ગપ્પા મારવા કે ટીવી જોવાને બદલે દરરોજ જેતપર ગામે ઉમટી પડે. ત્યાં છાવણીમાં બેસે. આ લડાઈ સૌથી ધનવાન વ્યક્તિ સામેની છે. જેતપર ગામને આ લડાઈમાં દરેક ખેડૂતનો દીકરો સહયોગ આપે. ઘરમાં, દુકાનમાં સોસાયટીમાં ખેડૂત આંદોલનને સમર્થન આપતા બેનરો લગાવવા આહવાન મિટિંગ પૂર્ણ થયા બાદ સ્થળ ઉપરથી ખેડૂતોના સમર્થનના બેનરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મનોજભાઈ પનારાએ આ બેનર દરેક લોકોને સોસાયટીના નાકે, દુકાનની ઉપર, ઘરની ઉપર લગાવવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બેનરમાં કોઈ વ્યક્તિનું નામ નથી, જેમાં ખેડૂત આંદોલનને સમર્થન આપીએ છીએ તેવું લખવામાં આવ્યું છે.