અગાઉ પણ આવી જ ઘટના બની હતી : કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાના કારણે માછલીઓના જીવ ગયાની આશંકામોરબી : મોરબીના શનાળા ગામ પાસે આવેલા તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના ભેદી રીતે મોત થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને જીવદયાપ્રેમીઓમાં ભારે દુઃખ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સ્થાનિક નાગરિક પરેશભાઈ મહેતા છેલ્લા 5 વર્ષથી દર શુક્રવારે ઘરેથી લોટ બાંધીને આ તળાવમાં માછલીઓને ખવડાવવા માટે આવે છે. આજે શુક્રવારે સવારે જ્યારે પરેશભાઈ મહેતા હંમેશની જેમ તળાવે માછલીઓને લોટ નાખવા પહોંચ્યા, ત્યારે તળાવના કિનારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને તેમને ભારે આઘાત લાગ્યો હતો. તળાવમાં માછલીઓના મોત પાછળ દૂષિત કે કેમિકલયુક્ત પાણી જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કોઈ ફેક્ટરી કે ટેન્કર દ્વારા અહીં કેમિકલવાળું પાણી ઠાલવી દેવામાં આવ્યું હોય તેવી શક્યતા છે. આશ્ચર્યની વાત એ છે કે તળાવની એક જ બાજુએ માછલીઓના મોત થયા છે, જ્યારે સામેની બીજી સાઈડ હજુ માછલીઓ સુરક્ષિત દેખાઈ રહી છે. આ તળાવમાં થોડા દિવસો પહેલા પણ આ જ રીતે માછલીઓના મોત થયા હતા અને ટૂંકા ગાળામાં જ ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે.સ્થાનિકોનું કહેવું છે કે ગઈકાલ સુધી તળાવમાં સ્થિતિ બિલકુલ સામાન્ય હતી અને માછલીઓ જીવંત હતી. પરંતુ આજે અચાનક જ એકાએક આટલી મોટી સંખ્યામાં માછલીઓ મરેલી જોવા મળી છે. આ દૂષિત પાણી કયા કારણોસર અને કોના દ્વારા ફેલાવવામાં આવ્યું છે તેની તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને દોષિતો સામે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiNews #Sanala #FishDeath #WaterPollution #Environment #MorbiUpdate #GujaratNews #BreakingNews