જેતપર ખેડૂત આંદોલનમાં અન્ન ત્યાગ કરનાર ખેડૂતની બીજા દિવસે તબિયત લથડી, હોસ્પિટલમાં બાટલા ચડાવાયા, જરૂરી રિપોર્ટ કરાયા : રજા મળતા જ ફરી ખેડૂત લડતમાં જોડાવા સજ્જમોરબી: જેતપર ખાતે ખેડૂતો દ્વારા વીજલાઈનના વળતરને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપવાસ છાવણીમાં અન્નનો ત્યાગ કરીને આંદોલન કરી રહેલા એક ખેડૂતની બીજા દિવસે તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાનેથી પણ આ ખેડૂતે પોતાનો અડગ નિર્ધાર વ્યક્ત કર્યો છે અને રજા મળતા જ ફરી આંદોલનમાં જોડાવાની તૈયારી દાખવી છે.ઉપવાસ પર બેઠેલા ખેડૂત રામજીભાઈ નાનજીભાઈ ભાડજાની બીજા દિવસે તબિયત બગડી હતી. હોસ્પિટલના બિછાનેથી રામજીભાઈએ જણાવ્યું હતું કે, તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો, જેના કારણે તેમને તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ જરૂરી રિપોર્ટ કર્યા હતા અને બાટલા ચડાવ્યા હતા. હોસ્પિટલમાંથી ક્યારે રજા મળશે તે અંગે પૂછવામાં આવતા રામજીભાઈએ જણાવ્યું હતું કે, બાટલો પૂરો થતાં જ તેમને રજા આપવામાં આવશે. રજા મળ્યા બાદ તેઓ સીધા જ છાવણીમાં જઈને ફરી ઉપવાસ પર બેસી જશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહિ સ્વીકારાય અને કોઈ યોગ્ય જવાબ નહિ મળે ત્યાં સુધી તેઓ અન્ન નહિ લે, માત્ર પાણી પીને આંદોલન ચાલુ રાખશે.પોતાની વ્યથા ઠાલવતા ખેડૂત રામજીભાઈએ જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ 6 વીઘા જમીન છે. ખેતરમાં નાખવામાં આવતા વીજ થાંભલાના કારણે તેમની આખી જમીન બગડી રહી છે. 100-100 ફૂટનો ગાળો ગણીએ તો બંને બાજુથી 3 વીઘા જેટલી જમીન તેમાં જતી રહે છે, જે કોઈ કામની રહેતી નથી. આમ, ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે અને હોસ્પિટલના બેડ પરથી પણ આંદોલન ચાલુ રાખવાનો હૂંકાર કરી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Jetpar #KhedutAndolan #FarmersProtest #GujaratFarmers #SaveFarmers