અંદાજે 400 પેટી જેટલો વિદેશી દારૂ હોવાનું અનુમાન : એક શખ્સની ધરપકડ હળવદ: હળવદ નજીક હાઇવે પરથી બોર્ડર રેન્જની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી માળિયા તરફ જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે.મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જના પીએસઆઈ ડી.સી.ઠાકોર અને મયુરધ્વજસિંહ જાડેજાની ટીમ દ્વારા હળવદ નજીક હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક હરિયાણા પાર્સિંગના કન્ટેનરને શંકાના આધારે અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. કન્ટેનરની તપાસ કરતા તેમાંથી પોલીસને અંદાજે 400 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.બોર્ડર રેન્જની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે કન્ટેનરના ચાલકની પણ અટકાયત કરી લીધી છે. પોલીસ ટીમ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી માળિયા સુધી લાવવામાં આવી રહ્યો હતો. આ જથ્થો માળિયા કે મોરબીના કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા જ મંગાવવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. હાલ પોલીસે દારૂ કોણે મંગાવ્યો હતો તે દિશામાં આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએથી દારૂના મોટા જથ્થા પકડાયા છે. આજે સવારના સમયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી ટ્રકમાંથી રૂ.55 લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો પણ પકડ્યો હતો. આ બે મોટા દરોડાને કારણે બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.#MorbiUpdate #Halvad #LiquorSeized #BorderRangeBhuj #CrimeNews #MorbiNews #GujaratPolice #AlcoholSeizure