ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ ખેડૂતોના વિનાશના ભોગે વિકાસ થાય તે યોગ્ય નથી,આ જમીન પર જ તેમની પેઢીઓની આજીવિકા નિર્ભર છે માટે ન્યાય આપવાની માંગમોરબી: મોરબીના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન અને વળતરના મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું હોવા છતાં તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી ન થતા ખેડૂત પુત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાઈ તરીકે સંબોધીને ટપાલો લખવામાં આવી છે. ભૂતકાળમાં વડાપ્રધાને એક નિવેદનમાં કહ્યું હતું કે દેશની બહેનોને જ્યારે પણ જરૂર પડે ત્યારે માત્ર એક પોસ્ટકાર્ડ મોકલી આપજો, એટલે તમારો આ ભાઈ મદદ માટે હાજર થઈ જશે. આ જ વાતને યાદ રાખીને જેતપર ગામની મહિલાઓએ વડાપ્રધાનને ભાઈ તરીકે સંબોધી ટપાલ લખીને પોતાની વ્યથા વર્ણવી છે. ખેડૂત મહિલાઓએ જણાવ્યું હતું કે, ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે હાલ જંત્રીના ભાવે વળતર નક્કી કરવામાં આવે છે. પરંતુ અત્યારના સમયમાં જંત્રીના ભાવે તો બજારમાં શાકભાજી પણ નથી આવતું. મહિલાઓએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈના ખિસ્સામાંથી પૈસા નથી માંગી રહ્યા, પરંતુ પોતાના હકની માંગણી કરી રહ્યા છે. ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ ખેડૂતોના વિનાશના ભોગે વિકાસ થાય તે યોગ્ય નથી. આ જમીન પર જ તેમની પેઢીઓની આજીવિકા નિર્ભર છે. આ ટપાલ મારફતે મહિલાઓએ અપીલ કરી છે કે ખેડૂતોના આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને તેમને તેમની જમીન અને નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. બહેનોને આશા છે કે તેમનો અવાજ પોસ્ટકાર્ડ મારફતે વડાપ્રધાન સુધી પહોંચશે અને તેમને ન્યાય મળશે.#MorbiUpdate #Jetpar #KhedutAndolan #FarmersProtest #MorbiNews #GujaratFarmers #PostcardToPM