પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર તંત્રને અપાયું આવેદન, માંગ નહીં સંતોષાય તો દિલ્હી સુધી લડતની ચીમકીમોરબી : મોરબીમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા 23 ઓગસ્ટ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) માંથી કાયમી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્ર વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને સંબોધીને આપવામાં આવ્યું છે.TET ના નિયમો અને કોર્ટનો ચુકાદોરાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ (NCTE) દ્વારા 23 ઓગસ્ટ 2010 ના રોજ TET સંબંધિત અધિસૂચના જાહેર કરવામાં આવી હતી. તાજેતરમાં 29 મે 2026 ના રોજ સુપ્રીમ કોર્ટે પણ આ અંગે અગાઉના ચુકાદાને યથાવત રાખ્યો છે. જેના પરિણામે વર્ષ 2010 પહેલાં કાયદેસર રીતે નિમણૂક પામેલા શિક્ષકોની નોકરી અને ભવિષ્ય અંગે અસુરક્ષા અને વ્યથા ઊભી થઈ છે.સરકાર પાસે 'અભય વચન'ની માંગપ્રાથમિક શૈક્ષિક મહાસંઘના દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોની નિમણૂક થઈ ત્યારે TET ની કોઈ જોગવાઈ ન હતી. 2010 પછીના નિયમો આ શિક્ષકો પર લાગુ કરવાથી તેમની નોકરીઓ જોખમમાં મુકાઈ છે. આથી વડાપ્રધાન આ બાબતે હસ્તક્ષેપ કરે અને શિક્ષકોને TET માંથી મુક્તિ આપી 'અભય વચન' આપે તેવી માંગ સાથે હજારોની સંખ્યામાં એકઠા થઈને આવેદન આપવામાં આવ્યું છે.દિલ્હી સુધી લડત ચલાવવાની તૈયારીમહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ કિરણબેન આદ્રોજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ 2028 સુધીમાં શિક્ષકોએ TET પાસ કરવાની રહેશે. પરંતુ જે શિક્ષકો અગાઉ મેરિટના આધારે નોકરી મેળવી ચૂક્યા છે અને વર્ષોથી ફરજ બજાવે છે, તેઓ હવે શા માટે પરીક્ષા આપે?. આ બાબત શિક્ષકોના સન્માન પર ઘા સમાન છે. શિક્ષણ વિભાગમાં 60 ટકા મહિલાઓ અને 40 ટકા પુરુષો ફરજ બજાવે છે. જો આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો શિક્ષકો દ્વારા દિલ્હી સુધી લડત ચલાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.મહાસંઘની મુખ્ય માંગણીઓ:23 ઓગસ્ટ 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને TET ની ફરજિયાતતામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે. આવા શિક્ષકોની સેવા, વરિષ્ઠતા અને બઢતીને સંપૂર્ણ સંરક્ષણ આપવામાં આવે. જરૂર જણાય તો સંસદમાં યોગ્ય કાયદાકીય સુધારો કે વિશેષ જોગવાઈ કરીને આ વર્ગને કાયમી રાહત આપવામાં આવે. તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી શિક્ષકોની ગૂંચવણ અને અસુરક્ષા તાત્કાલિક દૂર કરવામાં આવે.#Morbi #MorbiUpdate #TETExam #TeachersProtest #PrathmikShaikshikMahasangh #EducationNews #GujaratNews