સેરામિક ઉદ્યોગ અને વહીવટી સરળતાનો હવાલો આપી ગાંધીનગરનો ભાર હળવો કરવા કરાઈ રજૂઆતમોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને અલગ સૌરાષ્ટ્ર રાજ્ય આપવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, ભારતની વિકાસ યાત્રામાં હવે સમય આવી ગયો છે કે સૌરાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. મોરબીનો દાખલો આપતા ઉલ્લેખ કરાયો છે કે, માત્ર મોરબીનો સેરામિક ઉદ્યોગ જ આશરે 10,000 કરોડનો ટેક્સ ભરે છે. આ જ રીતે રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, ધોરાજી અને અન્ય નાના-મોટા શહેરોમાં પણ અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને ટેક્સ ભરીને પોતાના પગ પર ઊભા છે. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્રના રાજકીય, ઉદ્યોગો, કારીગરો, વિદ્યાર્થીઓ અને શિક્ષણને લગતા ઘણા પ્રશ્નો છે. આજના યુગમાં સામાન્ય કામ માટે પણ ગાંધીનગર જવાથી લોકોનો સમય, શક્તિ અને આર્થિક વય થાય છે. જો અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હોય તો ગાંધીનગરનો ઘણો ભાર હળવો થઈ જાય તેમ છે. ભૂતકાળમાં ઢેબરભાઈના સમયમાં અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે યાદ અપાવતા પત્રમાં ઉમેરાયું છે કે, નાનું રાજ્ય હોય તો વહીવટ અને વ્યવસ્થા વધુ સારી રીતે ચાલે છે. વડાપ્રધાન દ્વારા અગાઉ નાના-નાના તાલુકા અને જિલ્લાઓ બનાવવામાં આવતા જનતાને મોટી રાહત મળી છે, તેમ જો અલગ સૌરાષ્ટ્ર બનાવવામાં આવે તો સૌરાષ્ટ્રનો ઝડપી વિકાસ થાય અને જનતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી થાય. #Morbi #MorbiUpdate #Saurashtra #SeparateSaurashtra #NarendraModi #MorbiCeramic #GujaratNews #MorbiNews #Demands