છેલ્લા 20 વર્ષથી પૂરતું પાણી મળતું ન હોવાનો આક્ષેપ, વહીવટી તંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ: રસ્તા રોકો આંદોલનની ચીમકીમોરબી: મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકા પંચાયતના સદસ્ય હીરાબેન અશોકભાઈ વિડજા દ્વારા માળિયાના મામલતદારને નર્મદા માળિયા બ્રાન્ચ કેનાલના છેવાડે આવેલા માળિયા તાલુકાના 14 ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નર્મદા માળિયા બ્રાન્ચ કેનાલના છેવાડાના વિસ્તારોમાં આવેલા માળિયા તાલુકાના 14 ગામોના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી સિંચાઈ માટે પૂરતું અને સમયસર પાણી મળતું નથી. ત્યારે આક્ષેપો કરાયા છે કે સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં હપ્તા લઈને રાત્રિના સમયે પેટા કેનાલના ગેટ ખોલી નાખવામાં આવે છે. ઉપરથી પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં, સરકારી વહીવટી તંત્રની અણઆવડતના કારણે માળિયાના આ 14 ગામો સુધી પાણી પહોંચી શકતું નથી.વધુમાં કટાક્ષ કરવામાં આવ્યો છે કે, ખાનગી કંપનીઓને પોલીસતંત્ર ભાડે મળી રહે છે, તેમ ખેડૂતોને છેવાડે પાણી પહોંચાડવા અને પેટ્રોલિંગ માટે અધિકારીઓ અને પોલીસતંત્ર ભાડે આપો. અમે ફી ભરી દેશું. વધુમાં જણાવાયું છે કે કેનાલમાં અગાઉ બે દિવસ પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતોએ પિયત કરેલ. હવે બીજી વખત પિયત કરવાનો સમય આવી ગયો છે ત્યારે તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે, અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને જો વહીવટી તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.#Morbi #Maliya #NarmadaCanal #FarmersIssue #IrrigationWater #ProtestWarning #MorbiUpdates