સમિતિઓની રચના પહેલા જ કારોબારી અધ્યક્ષનું નામ બોર્ડમાં લખી દેવાતા ચર્ચાઓ તેજ મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળનારી મહત્વની બીજી સામાન્ય સભા બહુમતી ધરાવતા શાસક પક્ષ ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી છે. હવે આ સામાન્ય સભા આગામી 29 જૂનના રોજ યોજવામાં આવશે. અનિવાર્ય સંજોગોવશાત બેઠક મુલતવી રખાઈમોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખની વરણી બાદ આજે આ બીજી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા, સદસ્યોના પ્રશ્નોની ચર્ચા કરવા અને ખાસ કરીને વિવિધ સમિતિઓની રચના કરવા અંગેનો એજન્ડા હતો.જો કે, જિલ્લા પંચાયતમાં 17 સભ્યોની સ્પષ્ટ બહુમતી ધરાવતા ભાજપ પક્ષ દ્વારા આજની સભા મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી, જેને સર્વાનુમતે મંજૂર રાખી આગામી બેઠક 29 તારીખે નક્કી કરવામાં આવી છે.આંતરિક વિખવાદના નકારાયા આક્ષેપોપક્ષ દ્વારા ઉપરથી કારોબારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયેલા મનીષ કાંજિયાએ જણાવ્યું હતું કે, માત્ર અનિવાર્ય સંજોગોના કારણે જ આ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે. 29 તારીખે મળનારી નવી બેઠકમાં કારોબારી સહિતની તમામ સમિતિઓની રચના અંગે આખરી નિર્ણય લેવાશે. ભાજપમાં કોઈ આંતરિક સંકલનનો અભાવ નથી કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કોઈ અન્ય સમીકરણો જવાબદાર નથી.કાગળ પર સમિતિ અસ્તિત્વમાં નથી છતાં કારોબારી અધ્યક્ષનું નામ બોર્ડમાં લખી દેવાયું આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક રસપ્રદ અને કાયદાકીય વિવાદ પણ સામે આવ્યો છે. સામાન્ય સભામાં હજી કારોબારી સમિતિની સત્તાવાર રચના થઈ જ નથી અને જિલ્લા પંચાયતના સત્તાવાર ચોપડે હજી સુધી આ સમિતિ અસ્તિત્વમાં આવી નથી. આમ છતાં, પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ અહીં કારોબારી અધ્યક્ષની ચેમ્બર ફાળવી દેવામાં આવી છે એટલું જ નહીં, ચેમ્બરમાં રહેલા બોર્ડમાં કારોબારી અધ્યક્ષ તરીકેનું નામ પણ લખી દેવાયું છે. આ બોર્ડ પર 23 મેથી પદભાર સંભાળ્યો હોવાની તારીખ પણ લખી નાખવામાં આવી હોવાથી વહીવટી વર્તુળોમાં આશ્ચર્ય સાથે અનેક ચર્ચાઓ જાગી છે.આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાયદાકીય રીતે કોઈ જોગવાઈ છે કે નહીં તે તપાસ કરીને જાણ કરીશ. જ્યારે ભાજપ પક્ષ દ્વારા જાહેર કરાયેલા કારોબારી સમિતિના અધ્યક્ષએ કહ્યું હતું કે, અધિકારીઓ દ્વારા બોર્ડમાં આ નામ લખવામાં આવ્યું છે.