પ્રતીક ઉપવાસ બાદ હવે અન્નનો ત્યાગ કરી માત્ર જળ ગ્રહણ કરશે ખેડૂતોમોરબી : જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજલાઈનના યોગ્ય વળતર સહિતના પોતાના હકો માટે ચલાવવામાં આવી રહેલી લડત હવે વધુ ઉગ્ર બની છે. છેલ્લા 10 થી 12 દિવસથી ખેડૂતો અહીં પ્રતીક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ હવે આવતીકાલથી એટલે કે ગુરુવારથી આ ખેડૂત આંદોલનનો પાર્ટ-2 શરૂ થવા જઈ રહ્યો છે. આ નવી લડત અંતર્ગત ખેડૂતો અન્નનો સંપૂર્ણ ત્યાગ કરી આમરણાંત ઉપવાસ એટલે કે ભૂખ હડતાળ પર ઉતરશે. આ ઉપવાસ દરમિયાન ખેડૂતો અન્ય કોઈ પણ પ્રકારનું અન્ન કે પ્રવાહી લીધા વિના માત્ર પાણી જ ગ્રહણ કરશે અને આ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે.આ આંદોલનની શરૂઆત કરવા માટે આવતીકાલે સવારે 9 વાગ્યે મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન સ્થળે એકઠા થશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આમરણાંત ઉપવાસના કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂકવામાં આવશે. આ મહત્વપૂર્ણ લડતમાં જેતપર ગામ સહિત આજુબાજુના અનેક ગામના ખેડૂતો ખાસ હાજર રહેવાના છે. આ સાથે જ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર અને માત્ર ખેડૂતોની પોતાની લડત હોવાથી આંદોલનમાં કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો કે લોકોને જોડાવા દેવામાં આવશે નહીં. આ લડતમાં મહિલા શક્તિ પણ ખૂબ મોટી સંખ્યામાં સક્રિય થઈ છે અને સરકારને જાગૃત કરવા માટે સમગ્ર મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ, બહેનો અને માતાઓને આ આંદોલનમાં સહભાગી થવા જેતપર ગામના ખેડૂતો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Morbi #Jetpar #KhedutAndolan #FarmersProtest #GujaratFarmers #MorbiNews #KhedutEkta