મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગકારની લેણી નીકળતી રૂ. 4.75 લાખની રકમનો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આંધ્રપ્રદેશના ટાઇલ્સના વેપારીને એક વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત ડબલ રકમનો દંડ પણ ભરપાઈ કરવાનો આદેશ જારી કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામ પાસે ઇશાન સિરામિક ઝોનમાં આવેલી એકવીલા સિરામિકના પાર્ટનર સંદીપભાઈ રમેશભાઈ કાસુંદ્રા પાસેથી આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત લીઓ ટાઇલ્સના પ્રોપરાઇટર ચોડીસેટટી સુભા ગીતાએ સિરામિક ટાઇલ્સની ખરીદી કરી હતી. આ ખરીદીની બાકી રહેતી લેણી રકમ ચૂકવવા માટે આરોપીએ ચેક આપ્યો હતો જે પરત ફરતા ફરિયાદીએ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ વર્ષ 2024 માં મોરબીના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.આ કેસની ટ્રાયલ ચાલી જતા અને આરોપીએ ચેકની બાકી રકમ ન ચૂકવતા કોર્ટે આરોપી ચોડીસેટટી સુભા ગીતાને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે બાકી નીકળતી રકમ રૂ. 4,75,637 ની બમણી રકમ એટલે કે રૂ. 9,51,274 નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. આ દંડમાંથી ફરિયાદીને ફરિયાદની તારીખથી ચૂકવણીની તારીખ સુધીનું વાર્ષિક 9% વ્યાજ ચૂકવવા તેમજ જો દંડ ભરવામાં કસૂર થાય તો આરોપીને વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો આદેશ કરાયો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.#MorbiUpdate #MorbiNews #MorbiCourt #ChequeBounceCase #MorbiCeramic #LegalNews #GujaratNews