108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ સમયસર સારવાર આપી હોસ્પિટલ પહોંચાડી યુવાનનો જીવ બચાવ્યોમોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ પર આવેલા પોલો સર્કલ પાસે પાણી ભરેલા એક ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, 108 ઇમરજન્સી સેવાની મહેન્દ્રનગર લોકેશનની ટીમે તાત્કાલિક પહોંચીને સરાહનીય કામગીરી કરી યુવાનને નવજીવન આપ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, ભાનુભાઈ નામના યુવાન પોતાની પાસે આશરે 2.5 થી 3 લાખ રૂપિયા જેટલી ઉઘરાણીની રકમ લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પોલો સર્કલ નજીક પાણીના ટેન્કર સાથે તેમનું બાઈક અથડાયુ હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ભાનુભાઈને શરીરે અને શ્વાસ લેવામાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ગણતરીની 10 મિનિટમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. દર્દીની નાજુક સ્થિતિ જોઈને EMT પ્રવિણ મેર અને પાઇલટ હનીફ દલવાણીએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના ડૉ. પરમારના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ કટોકટીની સારવાર શરૂ કરી હતી. ટીમે યુવાનને સમયસર ઓક્સિજન અને મેડિકલ સપોર્ટ આપીને તેનો જીવ બચાવી લીધો હતો.108ની ટીમે પ્રામાણિકતા દાખવી અકસ્માત સમયે ભાનુભાઈ પાસે રહેલી 2.5 થી 3 લાખ રૂપિયાની રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન તેમના સગા મુલદાન ચારણને હોસ્પિટલના સ્ટાફ સમક્ષ સુરક્ષિત રીતે પરત સોંપ્યો હતો.108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ દર્દી ભાનુભાઈને વધુ સારવાર માટે પરિવારજનોના કહેવા મુજબ સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કટોકટીની પળોમાં 108ના સ્ટાફની આ કામગીરી અને પ્રામાણિકતાની સ્થાનિક લોકો અને પરિવારજનોએ પ્રશંસા કરી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Accident #108Ambulance #Humanity #Honesty #GujaratNews