આર્મી, એરફોર્સ, નેવી અને પોલીસ ફોર્સમાં જોડાવા ઈચ્છતા ફક્ત પુરુષ ઉમેદવારો માટે રહેવા-જમવાની સગવડ સાથેની 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજનધોરણ-૧૦ કે ૧૨ પાસ અને નિયત શારીરિક ધોરણો ધરાવતા યુવાનોએ જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ સંપર્ક કરવોમોરબી : મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો (પેરા મિલિટરી ફોર્સીસ) તથા પોલીસ ફોર્સની ભરતી પરીક્ષાઓમાં મહત્તમ સફળતા મેળવી શકે તેવા ઉમદા આશય સાથે સરકારી સ્તરે એક વિશેષ પ્રી-રિક્રુટમેન્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લાના વતની હોય તેવા ફક્ત પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા વધારવા અંગેના 30 દિવસના સંપૂર્ણ મફત નિવાસી તાલીમ વર્ગ (રહેવા-જમવાની સગવડ સહિત) શરૂ કરવામાં આવનાર છે.આ તાલીમ વર્ગમાં જોડાવા માટે ઉમેદવારની વયમર્યાદા 17.5 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ-10 પાસ (ન્યૂનતમ 50% ગુણ અને પ્રત્યેક વિષયમાં 33% ફરજિયાત) અથવા ધોરણ-12 પાસ હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત, શારીરિક ધોરણોમાં ઉમેદવારની ઊંચાઈ 168 સેમી કે તેથી વધુ, વજન 50 કિગ્રા કે તેથી વધુ, અને છાતી ફુલાવ્યા વગર 77 સેમી તેમજ ફુલાવીને 82 સેમી થવી જરૂરી છે.તબીબી રીતે સક્ષમ અને પાત્રતા ધરાવતા ઉત્સુક ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની નકલો સાથે આગામી તા. 30/06/2026 સુધીમાં (જાહેર રજાઓ સિવાય) કચેરી સમય દરમિયાન સવારે 10-30 થી સાંજના 6 વાગ્યા સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.આ અગાઉ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત આવી કોઈ પણ નિવાસી તાલીમમાં ભાગ લીધેલો હોય તેવા ઉમેદવારો આ વખતે પ્રવેશ મેળવવા પાત્ર રહેશે નહીં. આ તાલીમ વર્ગ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન મેળવવા માટે કચેરીના સત્તાવાર હેલ્પલાઈન નંબર 02822-240419 પર સંપર્ક સાધવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.