ભત્રીજાની સાળી સાથે પ્રેમસંબંધમાં યુવક-યુવતી નાસી જતા યુવતીના ભાઈ સહિતના શખ્સોનું પરાક્રમ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામે પ્રેમ સંબંધના કારણે એક પિતાનું અપહરણ કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ભેરડા ગામના રહેતા ગૃહસ્થના પુત્રએ કૌટુંબિક સગાની યુવતી સાથે નાસી જતા યુવતીના ભાઈ સહિતના શખ્સોએ યુવકના પિતાનું અપહરણ કરી માર મારતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભરડા ગામે રહેતા અને ખેતીકામ તેમજ ડ્રાઇવિંગ કરતા ફરિયાદી વિનોદભાઈ લવજીભાઈ ગોરીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના મોટા દીકરા ભુપત ઉર્ફે મુન્નાને સુરેન્દ્રનગર જિલ્લાના ઉંડવી ગામની કૈલાશબેન નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય દીકરો યુવતીને ભગાડી ગયો હતો, જેનો ખાર રાખીને યુવતીના ભાઈ સુખાભાઈ ખેતાભાઈ સારદીયા રહે. ઉંડવી સહિતના શખ્સોએ ૧૪ જૂન ૨૦૨૬ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યે વિનોદભાઈ ભેરડા ગામના બસ સ્ટેન્ડ પાસે પાનની દુકાને ઉભા હતા. તે સમયે એક સફેદ કલરની યુટિલિટી ગાડીમાં આવી અપહરણ કર્યું હતું.વધુમાં બનાવ અંગે ફરિયાદી વિનોદભાઇએ આરોપી એવા યુવતીનો ભાઈ સુખાભાઈ ખેતાભાઈ સારદીયા, બનેવી સગરામભાઈ મગાભાઈ બાવળીયા (રહે. ખંપાલીયા) અને બીજા ચાર અજાણ્યા માણસો વિરુદ્ધ તેમને ઢોર માર મારી દીકરીને હાજર કરવા આપી ધમકીઅવાવરૂ જગ્યાએ લઈ ગયા બાદ તારો છોકરો અને અમારી દીકરી ક્યાં છે? તેમ પૂછી બેફામ ગાળો આપી ઢીંકાપાટુનો ઢોર માર મારી યુવતી કૈલાશને હાજર નહીં કરો તો જાનથી પતાવી દઈશું તેવી ધમકી આપી મોટરસાયકલ પર બેસાડી થાનગઢ ગામે મૂકીને નાસી ગયા હતા. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.