રોડના કામ દરમિયાન 3થી 4 ફૂટ ખાડા ખોદીને ખુલ્લા મૂકી દેવાયા : અકસ્માત સર્જાયો તે આડસ વગરનો ખાડો મેયરની સોસાયટીની નજીકમાં જ : પદાધિકારીઓ વિકાસ કામોના નિરીક્ષણના ફોટો સેશન કરવાને બદલે ખરેખર કામ કરે તેવી માંગમોરબી : મોરબીમાં મહાપાલિકા તંત્રની જીવલેણ બેદરકારી સામે આવી છે. રવાપરમાં રોડના કામ દરમિયાન 3થી 4 ફૂટ ઊંડા ખાડા ખુલ્લા મૂકી દઇ વાહનચાલકોના જીવ જોખમમાં મુકવામાં આવ્યા છે. આજે સ્કૂટર ઉપર જતા એક માતા-પુત્રી આ ખાડામાં પડ્યા હતા. જો કે સદનસીબે તેઓને માત્ર સામાન્ય ઇજા પહોંચતા દુર્ઘટના સહેજમાં ટળી હતી. મોરબીના રવાપર ગામથી આગળ હાલ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ રોડ પર એક તરફ 3થી 4 ફૂટ જેટલું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની સુરક્ષા આડશ (બેરિકેડ) મુકવામાં આવી નથી. જેના કારણે અવારનવાર વાહનચાલકો ખાડામાં ખાબકી રહ્યા છે અને લોકોની સુરક્ષા રામભરોસે મૂકાઈ છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રોડની એક બાજુ આશરે 3થી 4 ફૂટ જેટલું ખોદકામ કરીને એમ જ છોડી દેવાયું છે. રોડની સાઈડમાં સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની આડશ ન હોવાને કારણે અગાઉ પણ અસંખ્ય વાહનચાલકો અહીં અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. આજે પણ એક આવી જ જોખમી ઘટના સામે આવી છે, જેમાં એક એક્ટિવા ચાલક મહિલા પોતાની નાની બાળકીને લઈને અહીંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક તરફ ચાલવાનો રસ્તો અને બીજી તરફ કરાયેલા ખોદકામને કારણે તેમનું વાહન અચાનક ખાડામાં ખાબક્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને સામાન્ય ઇજા થતાં મોટી દુર્ઘટના ટળી હતી.સ્થાનિક રહીશો અને વાહનચાલકોની ઉગ્ર માંગ છે કે અહીં તાકીદે સુરક્ષાની દીવાલ અથવા આડશ મુકવામાં આવે. સુરક્ષાના કોઈ પણ સાધનો રાખ્યા વિના જ બેદરકારીપૂર્વક આ કામ કરવામાં આવી રહ્યું છે. જો આગામી ચોમાસામાં સામાન્ય વરસાદ પણ થશે તો આ ખાડાઓમાં પાણી ભરાઈ જશે. પાણી ભરાવાને કારણે રસ્તાનો અંદાજ નહીં આવે અને અનેક વાહનચાલકો તેમાં ખાબકે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. વધુમાં આ ઘટના બની તે સ્થળ મેયરની સોસાયટીથી એકદમ નજીકમાં જ છે. છતાં તેઓને ધ્યાને આ સમસ્યા કેમ ન આવી તેવો સવાલ પણ ઉદભવી રહ્યો છે. આમ તો નવનિયુક્ત પદાધિકારીઓ વિકાસકામોના નિરીક્ષણ કરવાના ફોટો સેશન અને રિલ્સ જોરશોરથી જાહેર કરી રહ્યા છે. આવું કરવાને બદલે હકીકતમાં તેઓ શહેરમાં ચાલતા કામોનું નિરીક્ષણ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. #Morbi #MorbiUpdate #MorbiNews #RoadConstruction #PublicSafety #AccidentProne #MorbiAdministration #MonsoonAlert