'રાજકીય રોટલા શેકે તેની સાથે અમારે કઈ લેવાદેવા નહી', ખેડૂતોની સ્પષ્ટતા : હવે રાત્રે આગામી રણનીતિ ઘડાશેમોરબી : મોરબીમાં વીજ પોલ નાખવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. ગાંધીનગર કૂચની જાહેરાત થયા બાદ કોંગ્રેસે ઓગણજમા સભા યોજી નાખતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેતપરના ખેડૂતો પણ ત્યાંથી પરત આવવા રવાના થઈ ગયા છે. જેતપરના ખેડૂત અગ્રણીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમનો મુદ્દો માત્ર અને માત્ર ખેડૂતોની સમસ્યાનો છે અને તેઓ કોઈ રાજકીય લપમાં પડવા માંગતા નથી. સભામાં ખેડૂતોના મૂળ પ્રશ્નને બાજુ પર મૂકીને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) જેવા રાજકીય પક્ષો આ મુદ્દે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું કે, અમારો મુખ્ય મુદ્દો વીજ પોલનો છે અને તેના વિરોધ માટે જ આ આયોજન હતું, પરંતુ માહોલ બગડતા ખેડૂતો ત્યાંથી નીકળી ગયા છે. ખેડૂત બનીને આવે તેનું જ સમર્થન: ખેડૂત અગ્રણીખેડૂતોએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારે કોઈ પક્ષને વ્યક્તિગત સપોર્ટ કરવો નથી. ભાજપ, કોંગ્રેસ કે આપ - ગમે તે પક્ષના કાર્યકર્તા કે નેતા આવે, પણ તેઓ ખેડૂત બનીને આવે અને ખેડૂતોના સમર્થનમાં ઊભા રહે તે જરૂરી છે. ખેડૂતો પોતાના મુખ્ય મુદ્દા પર અડગ છે અને આ અંગે આગળની રણનીતિ નક્કી કરવા માટે આજે રાત્રે જ એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી પગલાં અંગે નિર્ણય લેવાશે. #MorbiUpdate #MorbiNews #FarmersProtest #MorbiFarmers #GujaratNews #FarmersIssue #BreakingNews