ટ્રસ્ટ દ્વારા નિયમિત માસિક વળતર, શિક્ષણ અને લગ્નનો ખર્ચ અપાઈ જ છે, સુઓમોટોમાં કોર્ટની મર્યાદા હોય : હાઇકોર્ટ મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન, પીડિત પરિવારની એક વ્યક્તિ તરફથી કરવામાં આવેલી વન ટાઈમ કમ્પેન્સેશન ચૂકવવાની માંગને કોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વળતર મુદ્દે પીડિતો સિવિલ કોર્ટમાં જઈ શકે છે.ટ્રસ્ટ દ્વારા નિયમિત વળતર અપાઈ રહ્યું છેસંદેશના અહેવાલ મુજબ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે સુનાવણીમાં સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, અગાઉ કોર્ટ સહાયક દ્વારા પીડિતોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરાયો હતો અને તમામ પીડિતોની જરૂરિયાત મુજબ વળતર અપાવવાની પ્રક્રિયા કરી હતી. હાલમાં ટ્રસ્ટ દ્વારા પીડિતોને દર મહિને નિયમિત વળતર આપવામાં આવી રહ્યું છે. જેમાં અનાથ બાળકોના શિક્ષણનો ખર્ચ, ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ અને માતા-પિતા ગુમાવનાર યુવતીઓના લગ્નનો ખર્ચ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. કોર્ટે ઉમેર્યું કે સુઓમોટો પિટિશનમાં કોર્ટની મર્યાદા હોય છે, તેથી વળતર માટે સિવિલ કોર્ટ જ યોગ્ય ફોરમ છે.ઝૂલતા પુલના રિસ્ટોરેશન અંગે સરકાર પાસે જવાબ માંગ્યોઆ ઉપરાંત હાઈકોર્ટે મોરબી ઝૂલતા પુલના રિસ્ટોરેશન અંગે પણ સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કોર્ટે ગોંડલ બ્રિજના પ્લાનિંગનું ઉદાહરણ ટાંકીને પૂછ્યું હતું કે હેરિટેજ બ્રિજનું કેવી રીતે રિસ્ટોરેશન કરવામાં આવશે. હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, ભલે બ્રિજનો ઉપયોગ ન થાય કે તે વપરાય નહીં, પરંતુ તે એક ઐતિહાસિક ધરોહર છે અને તેની જાળવણી અનિવાર્ય છે.સરકાર પક્ષે આ મુદ્દે જવાબ આપતા જણાવ્યું હતું કે મોરબી ઝૂલતા પુલના રિસ્ટોરેશનને લઈને તમામ પાસાઓ અને શક્યતાઓ ચકાસાઈ રહી છે અને સરકાર આ મામલે હકારાત્મક અભિગમ ધરાવે છે.#Morbi #MorbiUpdate #MorbiBridgeCollapse #GujaratHighCourt #MorbiNews #GujaratNews #JusticeForMorbi