વર્ષ 2022 થી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લાભાર્થીઓમાં રોષ, ગ્રામ પંચાયતથી લઈને તાલુકા કક્ષાએ ધક્કા ખાવા મજબૂરવાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામમાં 100 વારના પ્લોટની ફાળવણી મુદ્દે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી વંચિત હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ગ્રામજનોએ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ભલગામ ગામના અરજદારો દ્વારા 100 વારના પ્લોટ મેળવવા માટે તારીખ 02/09/2022 થી અલગ-અલગ સ્તરે રજૂઆત કરવામાં આવી રહી છે. ગ્રામજનો પાત્રતા ધરાવતા હોવા છતાં તેઓને આજ દિન સુધી પ્લોટ ફાળવવામાં આવ્યા ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ બાબતે અગાઉ તારીખ 28/07/2025 ના રોજ સરપંચ અને તારીખ 29/07/2025 ના રોજ તલાટી કમ મંત્રીને પણ પ્લોટ ફાળવવા વિનંતી કરતા પત્રો લખવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત કક્ષાએ વારંવાર માંગણીઓ કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને કોઈ નિરાકરણ આવ્યું ન હતું.આથી, આજે તારીખ 12/06/2026 ના રોજ ભલગામના અરજદારોએ વાંકાનેર ખાતે તાલુકા પંચાયત કચેરીમાં રૂબરૂ જઈને તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અરજદારોએ માંગ કરી છે કે આ 100 વારના મફત પ્લોટની માંગણીઓ બાબતે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય ધ્યાન આપવામાં આવે અને સમયસર આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે.#Morbi #Wankaner #Bhalgam #GramPanchayat #MorbiUpdate #NewsUpdate #GujaratNews