બમ્પના કારણે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું, આમાં મારી કોઈ ભૂમિકા ન હોવા છતાં છેક 6 મહિના પછી આનું નિવેદન લેવા મને બોલાવ્યો : આમ આદમી પાર્ટીના નેતાએ સમગ્ર ઘટનાને ષડયંત્ર ગણાવ્યુંમોરબી : મોરબી પંથકમાં ખેડૂતોના હિત માટે ચાલતા આંદોલનમાં તેમની સક્રિયતાને કારણે, સરકારના ઈશારે પોલીસ દ્વારા 6 મહિના જૂના અકસ્માતના કેસમાં નોટિસ મોકલીને ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આવું કરીને ખેડૂત આંદોલનમાં અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવા ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા દ્વારા કરવામાં આવ્યા છે.શું છે સમગ્ર મામલો?પંકજ રાણસરિયાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ 2025 ના 12 મા મહિનામાં કેનાલ રોડ પર બોરિયા પાટી વિસ્તારમાં શાળા પાસે અકસ્માતો નિવારવા માટે બમ્પ બનાવવામાં આવ્યા હતા. જોકે, સત્તાધારી પક્ષના એક નેતાની મુલાકાત સમયે તંત્ર દ્વારા આ બમ્પ રાતોરાત દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અકસ્માતના ડરથી સ્થાનિકો અને શાળા સંચાલકો દ્વારા કમિશનરને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના પગલે 25-12-2025 ના રોજ આરએન્ડબી (R&B) વિભાગ દ્વારા ફરીથી બમ્પ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બમ્પ ખૂબ ઊંચા બની રહ્યા હોવાની જાણ થતાં, પંકજ રાણસરિયા અને વીરજીબાપા ત્યાં પહોંચ્યા હતા અને વાહનોને નુકસાન ન થાય તે માટે બમ્પ ઢાળવાળા બનાવવા રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા વૈજ્ઞાનિક ઢબ વગર બમ્પ બનાવવામાં આવ્યા હતા, જ્યાં બીજા જ દિવસે એક ગોઝારો અકસ્માત સર્જાયો અને એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.6 મહિના બાદ અચાનક પોલીસની નોટિસપંકજ રાણસરિયાના જણાવ્યા અનુસાર અકસ્માતને આશરે 6 મહિના વીતી ગયા છે. હવે અચાનક તારીખ 11 ના રોજ સવારે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા વોટ્સએપ પર એક નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ તારીખ 09-06-2026 ની છે. નોટિસમાં આક્ષેપ કરાયો છે કે અકસ્માત સર્જનાર એ બમ્પ તેમણે બનાવ્યો હતો. પંકજ રાણસરિયાએ સવાલ ઉઠાવ્યો છે કે જો આમાં તેમની કોઈ જ ભૂમિકા હતી, તો જ્યારે એફઆઈઆર (FIR) નોંધાઈ ત્યારે તેમને 6 મહિના સુધી કેમ ન બોલાવાયા?આ ખેડૂતોનો અવાજ છે, દબાશે નહીંપંકજ રાણસરિયાએ જણાવ્યું કે હાલમાં ખેડૂતોના હિત માટે જે લડત ચાલી રહી છે, તેને તોડવા અને તેમનો અવાજ દબાવવા માટે આ નોટિસ ફટકારવામાં આવી છે. આગામી તારીખ 15 ના રોજ ગાંધીનગર કુચ યોજાવાની છે, જેને તેઓ સંપૂર્ણ સમર્થન આપશે. તારીખ 15 નું કાર્ય પૂર્ણ થયા બાદ તેઓ તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશને હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવશે. તેમણે ચીમકી આપી છે કે લોકોનો અને ખેડૂતોનો આ અવાજ કોઈપણ તાનાશાહીથી દબાવી શકાશે નહીં.#MorbiUpdate #MorbiNews #AAP #PankajRansariya #FarmersProtest #GujaratPolice #MorbiPolice #GujaratNews #KhedutAandolan