આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને શાળાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયાવાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જૂન માસમાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલીયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસીયાની સૂચના અનુસાર આ સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મેડિકલ ઓફિસર ડૉ. એમ. પી. બોચીયાના માર્ગદર્શન હેઠળ તેમજ વી. એચ. માથકીયા અને કાળુભાઈ આંતરેશાના સુપરવિઝન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે.દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ ગામોમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત ઘરોમાં પાણીના પાત્રોની તપાસ કરી તેમાં પોરાનાશક દવા નાખવામાં આવી હતી અને સોર્સ રિડક્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ટીમ દ્વારા તાવના દર્દીઓના લોહીના નમૂના લઈને સ્થળ પર જ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પાણીના મોટા ખાડાઓમાં પોરાનાશક ગપ્પી માછલીઓ મૂકવાની અને બળેલું ઓઇલ નાખવાની કામગીરી પણ કરાઈ છે.લોકોમાં રોગચાળા અંગે જાગૃતિ લાવવાના હેતુથી મેલેરિયાની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને વિવિધ જાહેર જગ્યાઓ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગામોમાં માઇક દ્વારા પ્રચાર કરીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ, શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયા રોગ વિશે વિસ્તૃત માહિતી આપી, તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવા શાળાઓમાં ગપ્પી માછલી અને મચ્છરના પોરાનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.મેલેરિયા મુક્ત સમાજના લક્ષ્યને સાકાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જનસહભાગિતાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવીને લોકો પાસે સહયોગની અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર મેલેરિયા વિરોધી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડીની આરોગ્ય ટીમે નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી બજાવી હતી.#MorbiUpdate #Wankaner #DaladiPHC #MalariaAwareness #HealthDepartment #MalariaFreeGujarat #HealthUpdate