મોરબીના જેતપર ગામે ખેડૂતોની ઉપવાસ છાવણીમાં પહોંચ્યા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા સહિતના આગેવાનો: યોગ્ય વળતર નહિ મળે તો વીજ થાંભલા નહિ નાખવા દઈએ તેવી ચીમકીમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતો પોતાની જમીનમાંથી પસાર થતી વીજલાઈન સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને તેના ભાગરૂપે ખેડૂતોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. આ પ્રતીક ઉપવાસની છાવણીમાં ખેડૂતોને સમર્થન આપવા માટે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટિયા, મનોજભાઈ પનારા અને પંકજ રાણસરિયા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી છે. આ તકે વિશાળ સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા છે.જેતપરની મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જરૂરિયાત કરતા વધુ વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી જો અન્ય રાજ્યોમાં પહોંચાડવાની હોય તો અદાણી, અંબાણી કે પાવર ગ્રીડ જેવી કંપનીઓએ તે રાજ્યોના ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા જોઈએ. ગુજરાતના ખેડૂતો વીજ થાંભલા નાખવાની ના નથી પાડતા, પરંતુ તેમની સ્પષ્ટ માંગણી છે કે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ. 2013 ના જમીન સંપાદન કાયદામાં સ્પષ્ટ ચોખવટ છે કે ખેડૂતોને જંત્રીના બદલે માર્કેટ પ્રાઈસ કરતા 4 ગણા ભાવનું વળતર ચૂકવવું જોઈએ.વધુમાં મેવાણીએ સરકાર અને પ્રશાસનની કામગીરીની નિંદા કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને યોગ્ય વળતર આપવાના બદલે તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ખેડૂતોને ડિટેન કરવા, મહિલાઓ અને માતાઓને માર મારવો, યુવાનોને પકડવા અને ગંદા શબ્દોનો પ્રયોગ કરી ધમકીઓ આપવામાં આવી રહી છે. જગતના તાત સમાન ખેડૂતોનું આવું અપમાન અને તેમની સાથેની આવી ટીંગાટોળી જરાય ચલાવી લેવાય નહીં.અંતમાં તેઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતો સાથે યોગ્ય વર્તન કરવામાં નહિ આવે અને યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી ગુજરાતના ખેડૂતો વીજ થાંભલા નાખવા નહિ દે. આ મુદ્દે સરકારના કાન ખોલવા માટે આગામી 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ લોકો ખેડૂતોની સાથે ઊભા છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #JigneshMevani #GujaratFarmers #ElectricityLineIssue #KisanAndolan #Gandhinagar #RightToFairCompensation