સરદારબાગ પાછળ 8 વોર્ડની સંયુક્ત શિબિર યોજાઈ: દૂરના વિસ્તારો માટે શિબિર કરતા સિવિક સેન્ટર નજીક પડ્યું : માત્ર આધારકાર્ડ માટે જ ધસારો રહ્યોમોરબી: રાજ્ય સરકારના જનકેન્દ્રિત શાસનના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા શુક્ર-શનિ એમ 2 દિવસ અલગ અલગ વિસ્તારમાં 'જનકલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તારીખ 12/06/2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી શનાળા રોડ પર સરદારબાગની પાછળ આવેલા કમ્યુનીટી હોલ ખાતે શીબીર યોજાઈ હતી. આ કેમ્પમાં વોર્ડ નંબર 1, 7, 8, 9, 10, 11, 12 અને 13 એમ કુલ 8 વોર્ડના નાગરિકોને વિવિધ સેવાઓ મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આટલા વોર્ડ એક સાથે લેવાતા અનેક અરજદારોને આ શિબિરનું સ્થળ દૂર પડ્યું હતું.જન્મ-મરણના દાખલા માટે લોકોના ધક્કા યથાવતનાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને ઘરઆંગણે જ વિવિધ સેવાઓ તથા યોજનાઓનો લાભ મળી રહે તે આ કેમ્પનો મુખ્ય હેતુ હતો. જોકે, પ્રથમ દિવસે જ આ શિબિરનો ઉદ્દેશ્ય ક્યાંક ખોરવાતો જોવા મળ્યો હતો. લોકોને સૌથી વધારે જરૂરિયાત જન્મ અને મરણના દાખલાની હોય છે, જેના માટે જ કચેરીઓના વધુ ધક્કા થતા હોય છે. ત્યારે આ શિબિરમાં જન્મ-મરણના દાખલા સ્થળ પર કાઢી આપવામાં આવતા નથી, માત્ર તેના ઓનલાઇન ફોર્મ ભરાવી દેવામાં આવે છે. આ ફોર્મ તો અરજદાર જાતે પણ ભરી શકે છે. દાખલા સ્થળ ઉપર જ કાઢી દેવાની કામગીરી ન થતી હોવાથી દાખલા કઢાવવા આવેલા લોકો નિરાશ થયા હતા. શિબિરમાં માત્ર આધાર કાર્ડની કામગીરી માટે જ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.આયોજન સામે ઉઠતા સવાલોતંત્ર દ્વારા એકસાથે 8 વોર્ડની કામગીરી એક જ સ્થળે રાખવામાં આવતા વિસ્તાર ઘણો મોટો થઈ ગયો છે. વાવડી ગામથી લઈને આ સ્થળ સુધી લોકોને લાંબો ધક્કો ખાવો પડ્યો હતો. વાવડીના લોકોને આ શિબિરના સ્થળ કરતા સિવિક સેન્ટર વધારે નજીક પડે છે, તો લોકો અહીં શા માટે ધક્કો ખાય તેવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. નાગરિકોમાં માંગ ઉઠી છે કે આવી શિબિરો 8 વોર્ડની એકસાથે યોજવા કરતા, વોર્ડ વાઇઝ અથવા તો લોકોના રહેણાંક વિસ્તારની નજીક યોજવી જોઈએ. તેમજ મુખ્ય કામગીરી માત્ર કચેરીએથી થતી હોય તો પછી શિબિરનો અર્થ શું તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. #MorbiNews #PublicIssues #LocalNews #AadhaarCard